ગુજરાતના દરિયાકાંઠે નશાના કારોબારીઓ વિરૂદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અને હાઈટેક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. કચ્છના મુન્દ્રા પોર્ટની આઉટર એન્કરેજ (દરિયામાં જહાજ લાંગરવાની જગ્યા) નજીક ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અને પશ્ચિમ કચ્છ એસઓજી (SOG) એ સંયુક્ત મિડનાઇટ ઓપરેશન હાથ ધરીને વિદેશી કાર્ગો શિપમાંથી અંદાજે 118.97 કિલો હાઈ-ક્વોલિટી કોકેઈન નો જથ્થો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આશરે રૂ. 1,180 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે.

એજન્સીઓને જોઈ ડ્રગ્સ દરિયામાં ફેંક્યું, એરટેગ પણ મળ્યા!

ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે, વિદેશથી આવી રહેલા એક મોટા જહાજમાં કરોડોનું ડ્રગ્સ છુપાવવામાં આવ્યું છે. આ બાતમીના આધારે કોસ્ટ ગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટ સાથે એટીએસની ટીમ મુન્દ્રાના દરિયામાં પહોંચી હતી. સુરક્ષા એજન્સીઓની બોટ નજીક આવતી જોઈને જહાજ પર હાજર સ્મગલરોએ ડ્રગ્સ ભરેલી ભારે બેગ દરિયામાં ફેંકી દીધી હતી. જોકે, ટીમે ભારે જહેમત અને ખરાબ વિઝિબિલિટી વચ્ચે દરિયાના પાણીમાંથી તરતી 5 મોટી બેગ રિકવર કરી લીધી હતી. આ બેગમાંથી કુલ 115 પેકેટ મળી આવ્યા હતા, જેનું વજન 118.97 કિલો થાય છે. ચોંકાવનારી બાબત એ છે કે, ડ્રગ્સના લોકેશનને ટ્રેક કરવા માટે સ્મગલરોએ બેગની અંદર 4 નંગ Apple AirTags પણ છુપાવ્યા હતા.

બ્રાઝિલથી લોડ થઈ કરાચી થઈને આવ્યું જહાજ

પોલીસ અને એટીએસની તપાસમાં બહાર આવ્યું છે કે, આ ડ્રગ્સ સાયપ્રસનો ફ્લેગ ધરાવતા 'MV Europe' નામના માલવાહક જહાજમાં છુપાવીને લવાયું હતું. નવેમ્બર 2025માં બ્રાઝિલથી આ કોકેઈન જહાજના મોટર રૂમમાં છુપાવવામાં આવ્યું હતું. ત્યાંથી આ જહાજ લેટિન અમેરિકા, મેક્સિકો, અમેરિકા અને પાકિસ્તાનના કરાચી પોર્ટ થઈને ગુજરાતના મુન્દ્રા દરિયાકાંઠે પહોંચ્યું હતું. આ જહાજમાંથી સેટેલાઇટ કોમ્યુનિકેશન ડિવાઇસ (Garmin GPS) પણ મળી આવ્યા છે.

દિલ્હી સુધી કનેક્શન: 1 ધરપકડ, બે રાઉન્ડ અપ અને એક દરિયામાં કૂદ્યો

આ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનું કનેક્શન દેશની રાજધાની દિલ્હી સુધી જોડાયેલું છે. જહાજ પરથી આ જથ્થો સ્થાનિક ફિશિંગ બોટ દ્વારા મુન્દ્રા લાવવાનો હતો અને ત્યાંથી રોડ માર્ગે દિલ્હી મોકલવાનો હતો.

ઓપરેશન દરમિયાન

  • જુમા નાસિર ઓમર (તાન્ઝાનિયાનો નાગરિક): જહાજના મોટર રૂમમાં ડ્રગ્સ છુપાવનાર મુખ્ય આરોપીની જહાજ પરથી જ ધરપકડ કરાઈ છે.
  • એક આરોપી ફરાર: રેડ દરમિયાન અન્ય એક વિદેશી નાગરિક (તાન્ઝાનિયાનો) દરિયામાં કૂદી ગયો હતો, જેની શોધખોળ ચાલુ છે.
  • દિલ્હીથી બે સાગરીતો ઝડપાયા: દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આ ડ્રગ્સની ડિલિવરી લેવા માટે તૈયાર બેઠેલા કેલ્વિન ચુકવુમા (નાઇજીરીયન) અને બાયરુહાંગા જેમ્સ (યુગાન્ડાનો નાગરિક) ને ગુજરાત એટીએસની ટીમે દિલ્હી પોલીસની મદદથી રાઉન્ડ અપ કર્યા છે અને તેમને ગુજરાત લાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

https://twitter.com/sanghaviharsh/status/2059524832488730660

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળ ઓપરેશન બદલ સુરક્ષા એજન્સીઓને બિરદાવી ટ્વિટ કર્યું છે કે, ગુજરાત ક્યારેય ડ્રગ્સ માટેનું ગેટવે બનશે નહીં. હાલ મુન્દ્રા પોર્ટ ઓથોરિટીના સહયોગ સાથે જહાજને પોર્ટ પર લાવીને તમામ ક્રૂ મેમ્બર્સની સઘન પૂછપરછ અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.


આ પણ વાંચો - વાંચો 28 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે