કચ્છ જિલ્લાના ભીમાસર (ભુટકિયા) ગામની સીમમાં ચાલતા એક મસમોટા નશીલા પદાર્થોના ખેતીના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રેન્જ આઈ.જી. ચિરાગ કોરડીયાએ પાલનપુર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, સાયબર સેલના પી.આઈ.ને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસની ટીમ ભીમાસરની સીમમાં તપાસ માટે પહોંચી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.


2 એકર જમીન પર ગેરકાયદેસર વાવેતર

ખેતરમાં આશરે 2 એકર જમીન પર અફીણ ડોડાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસની તપાસમાં કુલ 6273.349 કિલોગ્રામ અફીણ ડોડાનો જથ્થો મળી આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 9 કરોડ 41 લાખ જેટલી આંકવામાં આવી છે. આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ત્રણ શખ્સોને પોલીસે સ્થળ પરથી દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓના નામ છે: પ્રભુ સોઢા (ભીમાસર), ઈશ્વર ગોયલ, મનસુખ ગોયલ.

આ કામગીરીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ

રેન્જ આઈ.જી.ના જણાવ્યા મુજબ આટલા મોટા પાયે અફીણનું વાવેતર કેટલા સમયથી ચાલતું હતું અને આ જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં ત્રણેય આરોપીઓની અટકાયત કરી તેમની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: