ગુજરાતના પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. કચ્છ જિલ્લામાં આવેલું પ્રખ્યાત 'છારી-ઢાંઢ' પક્ષી અભયારણ્ય હવે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી 'રામસર સાઇટ' તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ નવી જાહેરાત સાથે જ ગુજરાતમાં રામસર સાઇટ્સની કુલ સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. વન મંત્રીએ આ અંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય દરજ્જાને કારણે કચ્છના રણ પ્રદેશમાં જૈવ વૈવિધ્યતાના જતન અને સંવર્ધન માટે વધુ પ્રોત્સાહન મળશે, જે પર્યાવરણમાં સકારાત્મક પરિવર્તન લાવશે.


ઈકો-ટૂરિઝમને વેગ મળશે

ઉલ્લેખનીય છે કે, વેટલેન્ડ્સ (જલાપ્લાવિત વિસ્તારો) ની બાબતમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. રાજ્યમાં કુલ 17,613 જેટલા વેટલેન્ડ્સ આવેલા છે, જે અંદાજે 3.5 મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે. આ આંકડો રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 17.8 ટકા જેટલો થાય છે. રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો, ભારતના કુલ વેટલેન્ડ વિસ્તારનો 21 ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે. છારી-ઢાંઢને મળેલી આ નવી ઓળખથી સ્થાનિક ઇકો-ટૂરિઝમનો વિકાસ થશે અને યાયાવર પક્ષીઓના સંરક્ષણમાં વૈશ્વિક સ્તરે મદદ મળશે.

આ પણ વાંચો : Anand News : પેટલાદ પોલીસની મોટી કાર્યવાહી, સહયોગ હોટલના પાર્કિંગમાંથી રૂ. 1.51 કરોડનો દારૂ જપ્ત



  • Follow us on: