કચ્છ જિલ્લાના પ્રવાસીઓને આકર્ષતા મહત્વપૂર્ણ સ્થળો – ધોરડોનું સફેદ રણ અને 'રોડ ટુ હેવન' ને હવે 'નો-સ્પિટિંગ ઝોન' (No-Spitting Zone) જાહેર કરવામાં આવ્યા છે. કચ્છના જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે.
કચ્છ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું
આ જાહેરનામા અનુસાર આ બંને વિસ્તારમાં તમાકુ, ગુટખા, પાન મસાલા જેવા પદાર્થોનું સેવન કરીને જાહેર સ્થળો પર થૂંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલા આ પ્રવાસન સ્થળોના સૌંદર્ય અને સ્વચ્છતાને જાળવી રાખવાનો છે. જાહેર સ્થળોએ ગંદકી ફેલાવવાથી પ્રવાસન સ્થળની છબી ખરાબ થાય છે, જેને રોકવા માટે આ સખત પગલું ભરવામાં આવ્યું છે.
