સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે પર આજે વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. ભલગામડા સર્કલ પાસે ઓવરબ્રિજ ઉતરી રહેલી એક પૂરઝડપે જતી કાર આગળ જતી આઈસર ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે.
ભલગામડા સર્કલ પાસે અકસ્માત
મળતી માહિતી મુજબ, જામનગરના સ્ક્રેપના વેપારી આશિષભાઈ રઘુભાઈ નંદા પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. લીંબડી હાઈવે પર ભલગામડા સર્કલ પાસે ઓવરબ્રિજ ઉતરતી વખતે તેમની કાર પરનો કાબૂ ગુમાવતા કાર આગળ જતી આઈસર ટ્રકના પાછળના ભાગે અત્યંત વેગથી અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ફુરચા ઉડી ગયા હતા.
વેપારીનું ઘટનાસ્થળે મોત, અન્ય એક ઈજાગ્રસ્ત
આ ભયાનક અકસ્માતમાં કાર ચલાવી રહેલા આશિષભાઈ નંદાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં પાછળની સીટ પર બેઠેલા ભાવેશભાઈ ભરતભાઈ સરવૈયાનો આબાદ બચાવ થયો હતો, તેમને સામાન્ય ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ લીંબડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક આશિષભાઈના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને હાઈવે પર ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જામનગરના યુવાન વેપારીના અકાળે અવસાનથી તેમના પરિવાર અને મિત્રવર્તુળમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: Banaskantha: ડીજે અને જમણવારના મુદ્દે ગેનીબેન ઠાકોર સામે ભુવાજી મેદાને, ધૂણતા-ધૂણતા આપી દીધી ખુલ્લી ચેલેન્જ