ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો અવનવા કીમિયા અજમાવી રહ્યા છે, પરંતુ દાહોદની કતવારા પોલીસે તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ખંગેલા ચેકપોસ્ટ પરથી પોલીસે મમરાના કોથળાની આડમાં છુપાવેલો રૂ. 80.64 લાખનો વિદેશી દારૂનો જથ્થો ફિલ્મી ઢબે ઝડપી પાડી આંતરરાજ્ય દારૂ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
ખંગેલા ચેકપોસ્ટ પર સર્જાયું સર્ચ ઓપરેશન
જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાની સૂચનાથી કતવારા પોલીસ ટીમ સરહદી વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી આવતા એક શંકાસ્પદ બંધ બોડીના કન્ટેનરને અટકાવવામાં આવ્યું હતું. કન્ટેનરના ચાલકે પોલીસને હાથતાળી આપવા માટે એવું જણાવ્યું હતું કે તેમાં મમરા અને નાસ્તો ભરેલો છે. જોકે, પોલીસને શંકા જતાં કન્ટેનરની તલાશી લેવાનો નિર્ણય લેવાયો હતો.
મમરાના કોથળા હટાવતા જ પોલીસ સ્તબ્ધ
પોલીસે જ્યારે કન્ટેનર ખોલીને તપાસ કરી ત્યારે ઉપરના ભાગે મમરાના કોથળા વ્યવસ્થિત ગોઠવેલા હતા. પરંતુ આ કોથળા હટાવતા જ અંદરથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓનો ખડકલો જોવા મળ્યો હતો. પોલીસે અંદરથી 9,480 બોટલો જપ્ત કરી હતી.
વોટ્સએપ દ્વારા ચાલતું હતું હાઈટેક નેટવર્ક
આ કેસમાં પોલીસે રાજસ્થાનના જેસલમેરના ડ્રાઈવર ગોપારામ ચૌધરીની ધરપકડ કરી છે. પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આખું રેકેટ વોટ્સએપ દ્વારા ઓપરેટ થતું હતું. દારૂનો આ જથ્થો વડોદરાના ગોલ્ડન વિસ્તારમાં પહોંચાડવાનો હતો. પોલીસને લોકેશન અને સૂચના આપનાર મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Patan: તાલુકા પંચાયત કચેરી પાસે પાર્ક કરેલી કારમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ બુઝાવી