મહીસાગર જિલ્લાના લોકપ્રિય અને કાર્યદક્ષ પોલીસ અધિક્ષક (SP) સફીન હસને જનતાની સુખાકારી માટે એક ક્રાંતિકારી પહેલ શરૂ કરી છે. સામાન્ય રીતે લોકોએ પોતાની સમસ્યાઓ કે કાયદો-વ્યવસ્થાને લગતી રજૂઆતો માટે લાંબા અંતર કાપીને છેક જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સુધી ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ હવે મહીસાગરની જનતાને આ હાલાકીમાંથી મુક્તિ મળશે. એસપી સફીન હસને જાહેરાત કરી છે કે તેઓ પોતે મહિનાના નિર્ધારિત દિવસોમાં વિવિધ શહેરોમાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળશે.
સમય અને નાણાંની થશે મોટી બચત
હાલના સમયમાં વધતા જતા ઇંધણના ભાવ અને નાગરિકોના કિંમતી સમયને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસપીના આ અભિગમથી અરજદારોને હવે લુણાવાડા મુખ્ય કચેરી સુધી આવવાની જરૂર નહીં રહે, જેનાથી તેમનું પેટ્રોલ અને સમય બંને બચશે. ખાસ કરીને અંતરિયાળ ગામડાઓના લોકો માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થશે.
