મહિલાઓના અધિકારો અને ન્યાય માટે ગુજરાતની મહેસાણા જ્યુડિશિયલ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ હેઠળ, ત્રિપલ તલાક આપવાના કેસમાં કોર્ટે આરોપી પતિ ઇમરાન મન્સૂરીને દોષિત ઠેરવી 1 વર્ષની કેદની સજા ફટકારી છે.

માર મારીને બે માસૂમ બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂકી

આ કેસની વિગત મુજબ, વર્ષ 2024માં ઇમરાન મન્સૂરીએ તેની પત્ની રિઝવાનાબાનુંને શારીરિક અને માનસિક ત્રાસ આપી, માર મારીને બે માસૂમ બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. આટલું જ નહીં, કાયદાકીય મનાઈ હોવા છતાં ઇમરાને પત્નીને 'ત્રિપલ તલાક' આપી તરછોડી દીધી હતી. અન્યાય સામે લડત આપતા પીડિતાએ મહેસાણા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આરોપીને રૂ. 10,000નો દંડ પણ ફટકાર્યો

ન્યાયિક પ્રક્રિયા દરમિયાન, ફરિયાદી પક્ષના વકીલ ઉજાસ યાજ્ઞિકની ધારદાર દલીલો અને પુરાવાઓને કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે માન્યું કે સમાજમાં સ્ત્રી સન્માન જળવાઈ રહે તે જરૂરી છે. સજાની સાથે કોર્ટે આરોપીને રૂ. 10,000નો દંડ પણ ફટકાર્યો છે. જો આરોપી આ દંડ ભરવામાં નિષ્ફળ રહેશે, તો તેણે વધુ 2 માસની જેલ ભોગવવી પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારનો આભાર માન્યો

લાંબી કાનૂની લડત બાદ ન્યાય મળતા પીડિતા રિઝવાનાબાનું ભાવુક થયા હતા. તેમણે આ ઐતિહાસિક ન્યાય માટે ન્યાયતંત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. આ ચુકાદો ત્રિપલ તલાક જેવી કુરિવાજો સામે લડતી મહિલાઓ માટે આશાનું નવું કિરણ લઈને આવ્યો છે.


આ પણ વાંચો---      Tamilnadu: ફ્લોર ટેસ્ટમાં વિજય સરકાર પાસ, 144 ધારાસભ્યોનો મળ્યો સાથ, વિરોધમાં 22 વોટ