ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર નજીક આવી રહ્યું છે, ત્યારે સમગ્ર રાજ્યમાં વિવિધ કર્મચારી મંડળો પોતાની માંગણીઓ સંતોષવા મેદાનમાં ઉતર્યા છે. આજે મહેસાણાના કડી તાલુકામાં આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ પોતાની પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો.
લઘુત્તમ વેતન અને કાયમી દરજ્જાની માગ
આંદોલનકારી બહેનોએ હાઈકોર્ટના હુકમનો હવાલો આપતા જણાવ્યું હતું કે, તેમને સન્માનજનક લઘુત્તમ વેતન આપવામાં આવે અને લાંબા સમયથી પડતર એવી કાયમી દરજ્જાની માંગણી સંતોષવામાં આવે. "સમાન કામ, સમાન વેતન" ના સૂત્રોચ્ચાર સાથે બહેનોએ કડી તાલુકા પંચાયત કચેરી ગજવી મૂકી હતી.
ડિજિટલ કામગીરીનો સખત વિરોધ
સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવેલી ઓનલાઈન કામગીરી સામે પણ બહેનોએ રોષ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને MMY એપમાં આવતી ટેકનિકલ ખામીઓને કારણે કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. બહેનોએ સ્પષ્ટ માગ કરી છે કે, "સરકાર સારા મોબાઈલ આપે અથવા અમને ફરીથી રજિસ્ટર નિભાવવાની છૂટ આપે." ખામીયુક્ત મોબાઈલ અને સર્વરની સમસ્યાઓને કારણે ડિજિટલ કામગીરી બોજ બની હોવાનું તેમણે જણાવ્યું હતું.
નાયબ TDOને આવેદન અને અલ્ટીમેટમ
આ વિરોધ પ્રદર્શનના અંતે આંગણવાડી અને આશા વર્કર બહેનોએ નાયબ TDOને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી બજેટમાં તેમની માંગણીઓ પ્રત્યે હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. મોટી સંખ્યામાં બહેનોની હાજરીને જોતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Mahesana: ગાંધીનગરથી દિલ્હી વાયા હિંમતનગર-શામળાજીની વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવા રાજ્યસભામાં માંગ