હાલ રાજ્યનું યુવધન દારૂ, ડ્રગ્સ અને તમાકુના વ્યસનના રવાડે ચડી રહ્યું છે. આવામાં સરકાર અને ઘણી સંસ્થાઓ વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે. આવો જ એક કેમ્પ મહેસાણાના વિસનગરમાં ચાલી રહ્યો છે. જેમાં ઘણા યુવક-યુવતીઓ વ્યસન મુક્તિ માટે જોડાયા છે. આવામાં એક યુવકે આ કેમ્પમાં કામ કરતા વ્યક્તિની બુલેટ સળગાવી દેતા ચકચાર મચી જવા પામ્યો છે.
યુવકે બુલેટને આગ લગાડી દેતા અફરાતફરી
ઘટનાની મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના વિસનગરમાં વ્યસન મુક્તિ કેન્દ્ર પાસે એક યુવકે બુલેટને આગ લગાડી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નૂતન સ્કૂલ પાસે મોડી રાત્રે યુવકે બુલેટમાં આગ લગાડી દીધી હતી. આ યુવકનું નામ રવિ પટેલ છે. જેને વ્યસન મુક્તિ માટે આ કેમ્પમાં લાવવામાં આવ્યો હતો. આ યુવકે સુરેશભાઈ નામના વ્યક્તિની બુલેટમાં આગ લગાડી દેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સુરેશભાઈએ રવિ પટેલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વ્યસન છોડવાનું કહેતા રવિએ કંટાળીને બુલેટમાં આગ લગાવી
વિસનગર શહેરના નૂતન સ્કૂલ પાસેના વિસ્તારમાં વ્યસન મુક્તિ કેન્દ્ર નીચે પાર્ક કરેલા બુલેટને યુવકે આગ લગાવી દેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી. આ બુલેટ વ્યસન મુક્તિ કેન્દ્ર નીચે આવેલા અર્બન હેલ્થ સેન્ટર પાસે પાર્ક કરેલું હતું. રોયલ એનફિલ્ડ કંપનીનું 350 CC બુલેટનું વર્ષ 2025નું નવું મોડલ હતું. સુરેશભાઈ વેલજીભાઈએ રવિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વ્યસન મુક્તિ માટે લાવવામાં આવેલા રવિએ કંટાળીને બુલેટમાં આગ લગાવી હોવાની વિગતો સામે આવી છે.









