મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા કડીની એક યુવતી પર ધાર્મિક વિધિ અને લગ્નના યોગના બહાને સતત ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપસર જેલમાં બંધ ભૂવા સતીશ વિષ્ણુભાઈ પટેલની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આ કેસમાં કૌટુંબિક સંબંધો અને ધર્મની આડ લઈને ભોગ બનેલી યુવતીનો વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
કડીની રહેવાસી 28 વર્ષીય યુવતીને તેના કૌટુંબિક કાકા એવા પટેલ સતીશ વિષ્ણુભાઈએ લગ્નના યોગની વિધિ કરી આપવાની લાલચ આપી હતી. પોતે ભૂવો હોવાનો દાવો કરનાર આરોપી સતીશ પટેલે આ ધાર્મિક વિધિના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીએ એક-બે વખત નહીં, પણ સતત ચાર વર્ષના લાંબા સમયગાળા સુધી યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.
આખરે યુવતીએ હિંમત કરીને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભૂવા સતીશ પટેલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસ દ્વારા આ કેસમાં ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવી છે. ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપી પક્ષ દ્વારા મહેસાણા સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી.
કોર્ટમાં શું કરવામાં આવી દલીલો?
આ જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ આરોપીની જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ દલીલ રજૂ કરી હતી કે, આરોપીએ કૌટુંબિક સંબંધોનો દુરુપયોગ કર્યો છે અને ધર્મ તેમજ વિધિના નામે યુવતીના જીવન સાથે ચેડા કર્યા છે. ચાર વર્ષ સુધી સતત આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોવાથી આ ગુનો અત્યંત ગંભીર પ્રકૃતિનો છે અને જો આરોપીને જામીન આપવામાં આવે તો તે સમાજમાં ખોટો સંદેશ આપશે. વળી, જામીન મળવાથી તે પુરાવાઓ સાથે ચેડા કરી શકે છે અથવા ભોગ બનનારી યુવતી પર દબાણ લાવી શકે છે.
સરકારી વકીલ પરેશકુમાર દવેની ધારદાર દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને મહેસાણા સેશન્સ કોર્ટના ન્યાયાધીશ એમ.એફ. ખત્રી દ્વારા આરોપી ભૂવા પટેલ સતીશ વિષ્ણુભાઈની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. કોર્ટના આ નિર્ણયથી ન્યાયની આશા સેવી રહેલી યુવતીને મોટી રાહત મળી છે અને કાયદા પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
આ પણ વાંચો - ક્રિકેટ બાદ Rohit Sharma શેર માર્કેટમાંથી કરશે કરોડોની કમાણી, આ કંપનીમાં કરશે રોકાણ