કડાણા તાલુકાના એક ગામમાં રહેતી 14 વર્ષની સગીરા પર તેના જ પાડોશમાં રહેતા એક આધેડે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. વિશ્વાસઘાત અને હેવાનિયતની આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જન્માવ્યો છે.


 કડાણામાં બાળકી પર દુષ્કર્મ

મળતી વિગતો અનુસાર, નરાધમ આધેડે બાળકીને વિશ્વાસમાં લેવા માટે તેની માતાની બીમારીનો સહારો લીધો હતો. તેણે બાળકીને લાલચ આપી હતી કે તે તેની માતા માટે દવા લેવા જઈ રહ્યો છે અને તેને સાથે આવવા જણાવ્યું હતું. માસૂમ બાળકી પાડોશીના મલીન ઈરાદાઓથી અજાણ હોવાથી તેની સાથે જવા તૈયાર થઈ ગઈ હતી. જોકે, આધેડ તેને દવાખાને લઈ જવાને બદલે સીમમાં આવેલા એકાંત ખેતરમાં લઈ ગયો હતો.

શરીર પર બચકા ભરી કરી ક્રૂરતા

ખેતરમાં લઈ ગયા બાદ નરાધમે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આધેડની હેવાનિયત એટલી હદે વધી ગઈ હતી કે તેણે બાળકીના શરીરના વિવિધ ભાગો પર બચકા ભરીને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ક્રૂરતાના કારણે બાળકી શારીરિક અને માનસિક રીતે અત્યંત આઘાતમાં સરી પડી હતી.

પોલીસ તપાસ તેજ

આ સમગ્ર મામલે બાળકીના પરિવારજનોને જાણ થતા તુરંત પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કડાણા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવવાની સાથે આરોપી આધેડને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: તુલસી લોજ બહાર યુવક પર ચાર શખ્સોનો લાકડીઓ વડે જીવલેણ હુમલો, CCTV આવ્યા સામે

  • Follow us on: