સંતરામપુરના નરસિંગપુર ગામે પિતાએ જ પુત્રની લાકડીના ફટકા મારી હત્યા કરી હતી. લગ્નની બાબતે થયેલ ઝઘડાએ જીવલેણ વળાંક લીધો હતો.


પુત્રને પિતાએ લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો


મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસિંગપુર ગામે પિતા-પુત્રના પવિત્ર સંબંધને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પિતાએ જ આવેશમાં આવી પોતાના ૪૨ વર્ષીય પુત્રને માથાના ભાગે લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ મામલે મૃતકના સગા કાકાએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

તમો મારા લગ્ન કેમ કરાવતા નથી? તેમ કહી ઝઘડો


પ્રાપ્ત વિગતો અનુસાર, નરસિંગપુર પારંગી ફળીયામાં રહેતા મોહનભાઇ કચરાભાઈ ભાભોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૧૬/૦૨/૨૦૨૬ના રોજ રાત્રીના સમયે તેમના ભાઈ રમેશભાઈ કચરાભાઈ ભાભોરના ઘરે જોરજોરથી બોલાચાલીનો અવાજ આવ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રમેશભાઈનો પુત્ર પ્રકાશભાઈ (ઉ.વ. ૪૨) તેના પિતાને "તમો મારા લગ્ન કેમ કરાવતા નથી?" તેમ કહી ઝઘડો કરતો હતો. આ તકરાર દરમિયાન ઉશ્કેરાયેલા પિતા રમેશભાઈએ આવેશમાં આવી પુત્ર પ્રકાશના માથાના ભાગે લાકડીનો જીવલેણ ફટકો મારી દીધો હતો.

આઠ દિવસ સુધી મોત સામે જંગ લડ્યા બાદ પ્રકાશનું કરુણ મોત


ઘટના બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પ્રકાશને તાત્કાલિક સંતરામપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સ્થિતિ વધુ નાજુક જણાતા તેને વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં આઠ દિવસ સુધી મોત સામે જંગ લડ્યા બાદ પ્રકાશનું કરુણ મોત નીપજ્યું હતું.


સામાન્ય બાબતે પિતા દ્વારા કરવામાં આવેલી આ હત્યાથી સમગ્ર પંથકમાં ગમગીની


આ ચકચારી ઘટના અંગે મૃતકના કાકા મોહનભાઇ ભાભોરે પોતાના જ ભાઈ રમેશભાઈ કચરાભાઈ ભાભોર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. સંતરામપુર પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પુત્રના લગ્ન ન થવાની સામાન્ય બાબતે પિતા દ્વારા કરવામાં આવેલી આ હત્યાથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

  • Follow us on: