મહીસાગર જિલ્લામાં પોલીસે ખેતરોમાં થતા નશાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ કરીને એક મોટી સફળતા મેળવી છે. જિલ્લાના વડદલા રત્નાજીના મુવાડા વિસ્તારમાં એક ખેડૂત દ્વારા એરંડાના પાકની આડમાં છુપાવીને મોટા પાયે ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.
રૂ. 2.37 કરોડનો ગાંજો જપ્ત
પોલીસને મળેલી બાતમીના આધારે ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ચેકિંગ દરમિયાન ખેતરમાંથી આશરે 258 જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે આ સમગ્ર જથ્થાની બજાર કિંમત આશરે રૂ. 2.37 કરોડ આંકી છે અને તેને જપ્ત કર્યો છે. આરોપી ખેડૂત, જેની ઓળખ વાઘજી પરમાર તરીકે થઈ છે, તે એરંડાના ઊંચા પાકની આડમાં ગાંજાનું વાવેતર કરીને કાયદાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવી છે.
