ખેરાલુ તાલુકાના વિઠાડો ગામમાં એક સામાન્ય બાબત પર યુવકો વચ્ચે થયેલી બબાલ લોહિયાળ સંઘર્ષમાં પરિણમી છે. બે યુવકો વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડવા ગયેલા અન્ય બે યુવકો પર છરી વડે હુમલો કરવામાં આવતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત માહિતી મુજબ, વિઠાડો ગામમાં કેટલાક યુવકો વચ્ચે કોઈ સામાન્ય બાબતને લઈને ઝઘડો થયો હતો, જે જોતજોતામાં ઉગ્ર બની ગયો હતો. આ ઝઘડાને શાંત કરાવવા માટે બે અન્ય યુવકો વચ્ચે પડ્યા હતા, પરંતુ ઉશ્કેરાયેલા યુવકોએ આ બંને છોડાવવા આવેલા યુવકો પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.
ખેરાલુ પોલીસના સકંજામાં આરોપી
આ હુમલામાં બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલો કર્યા બાદ ત્રણ જેટલા આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ ખેરાલુ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઇજાગ્રસ્ત યુવકોના નિવેદનોના આધારે ગુનો નોંધીને ફરાર થયેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.













