મહેસાણા જિલ્લામાં ખેડૂતોને રવિ પાક માટે 10 કલાક વીજળી આપવાની સરકારી જાહેરાત માત્ર કાગળ પર રહી હોવાના આક્ષેપો થયા છે. જિલ્લા કિસાન સંઘના પ્રમુખ રતિલાલ પટેલે આ મુદ્દે સવાલ ઉઠાવી સરકાર સમક્ષ ખેડૂતોને પૂરતી વીજળી આપવા માટે રજૂઆત કરી છે.

ખેડૂતોને 10 કલાક વીજળી આપવા માગ

રતિલાલ પટેલે જણાવ્યું કે સરકારે ૬ જિલ્લાના ખેડૂતોને શનિવારથી રવિ પાક માટે ૧૦ કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ મહેસાણા જિલ્લામાં આ જાહેરાતનો અમલ થઈ રહ્યો નથી.તેમણે ફરિયાદ કરી કે મહેસાણા જિલ્લામાં માત્ર બહુચરાજીના ત્રણ ફીડરો પૂરતી જ 10 કલાક વીજળી આપવામાં આવે છે. આ સિવાય અન્ય કોઈ તાલુકામાં ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળતો નથી. મહેસાણા તાલુકાના ઉદલપુર ફીડર પર પણ માત્ર એક જ દિવસ ૧૦ કલાક વીજળી આપવામાં આવી હતી.

બહુચરાજીમાં ત્રણ ફીડરમાં 10 કલાક વીજળી

આ બાબતે ખેડૂતોએ જ્યારે જેટકો (GETCO)માં રજૂઆત કરી, ત્યારે જેટકોના અધિકારી ગૂર્જર સાહેબે એવું જણાવ્યું હતું કે સરકારે અમને આ અંગે કોઈ લેખિત પરિપત્ર કર્યો નથી. અમને માત્ર ત્રણ ફીડરની જાણ કરવામાં આવી છે, તે મુજબ જ વીજળી આપીએ છીએ અને બાકીનાને આપવાની નથી.કિસાન સંઘે સવાલ ઉઠાવ્યો છે કે જો સરકાર જાહેરાત કરે છે તો ખેડૂતોને વીજળી કેમ મળતી નથી? શું આનો અર્થ એવો થાય છે કે રવિ પાક ફક્ત બહુચરાજી તાલુકાના આ ત્રણ ફીડરમાં જ થાય છે? ખેડૂતોને સરકારની જાહેરાત મુજબ તાત્કાલિક 10 કલાક વીજળી મળે તે માટે કિસાન સંઘ દ્વારા સરકારને ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: કરોડના ખર્ચે બનેલી જનાના હોસ્પિટલમાં બેદરકારી, લાદીઓ ઉખડી, બાંધકામની ગુણવત્તા પર સવાલ!