મહેસાણા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન બજારમાં ખૂબ જ જાણીતી એવી ગોળની બ્રાન્ડ્સના નમૂના પરીક્ષણમાં ફેલ થતા ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દેદિયાસણ GIDC માંથી લેવામાં આવેલા નમૂનાઓમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા સિન્થેટિક કલરની હાજરી મળી આવી છે.

બ્રાન્ડેડ ગોળના નામે ઝેર પીરસાયું

મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા દેદિયાસણ GIDCમાં આવેલી હરિકૃષ્ણા માર્કેટિંગ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ત્યાંથી ગોળના કુલ 6 નમૂના લેવામાં આવ્યા હતા. લેબોરેટરી પરીક્ષણ બાદ જે રિપોર્ટ આવ્યો છે તે ચોંકાવનારો છે. બજારમાં સૌથી વધુ વેચાતી 'રસમલાઈ' અને 'પોપટ છાપ' બ્રાન્ડના ગોળના નમૂનાઓ ગુણવત્તાના ધોરણો પર ઉતરી શક્યા નથી અને તે ફેલ જાહેર થયા છે.

સિન્થેટિક કલરની ભેળસેળ

રિપોર્ટ અનુસાર, આ ગોળને આકર્ષક બનાવવા માટે તેમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ગોળમાં વપરાતો આવો કલર માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે અને તેનાથી લાંબા ગાળે ગંભીર બીમારીઓ થઈ શકે છે. વિભાગ દ્વારા દેશી અને સફેદ એમ બંને પ્રકારના ગોળની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 4 નમૂનામાં ભેળસેળ પૂરવાર થઈ છે.

આ પણ વાંચો: Vadodara: કલાલી વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં લીકેજ, ઉનાળામાં ચોમાસા જેવો નજારો જોવા મળ્યો