મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ભ્રષ્ટાચારનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગરીબ લાભાર્થી પાસેથી સરકારી સહાયના નાણાં છોડાવવા માટે લાંચ માંગનાર ગ્રામ સેવકને ગાંધીનગર એસીબીએ રંગેહાથ ઝડપી લીધો છે.

વિજાપુરમાં ACBનો સપાટો

ફરિયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જૂના ઘરની જગ્યાએ નવું મકાન બનાવવા માટે સરકાર તરફથી કુલ ₹1,20,000ની સહાય મંજૂર થઈ હતી. આ સહાય પૈકી મકાનનો ત્રીજો હપ્તો (₹50,000) અને છેલ્લો હપ્તો (₹10,000) તેમજ અન્ય સહાયની રકમ ઝડપથી મળી જાય તે માટે ગ્રામ સેવક અજયસિંહ કાનુસિંહ રાજપુતે રકમના બદલામાં ₹5,000ની લાંચની માંગણી કરી હતી.

ACBએ ગોઠવ્યું સફળ છટકું

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે આજે વિજાપુરના આનંદપુરા સર્કલ પાસે ટ્રેપ ગોઠવી હતી. આરોપી અજયસિંહ રાજપુત જેવો લાંચના ₹5,000 સ્વીકારવા આવ્યો કે તરત જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો.

કામગીરી કરનાર ટીમ

આ સફળ ઓપરેશન ગાંધીનગર એસીબીના મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવિઝન હેઠળ ટ્રેપિંગ ઓફિસર કે.કે. દેસાઈ (પી.આઈ., એસીબી ગાંધીનગર) અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. ભ્રષ્ટ કર્મચારીની ધરપકડને પગલે વિજાપુર પંથકના અન્ય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Vadodara: જુનિયર ડોક્ટર્સ એસોસિએશનની હડતાળ, આરોગ્ય સેવાઓ ખોરવાઈ