તાજેતરમાં સિંગર કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા મામલો બિચક્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં બંને સમાજ સામ સામે આવી ગયા હતાં. ત્યાર બાદ કિંજલ પોતાના માતાપિતાના ઘરે આવી ગઈ હતી. હવે વધુ એક સિંગરે લગ્ન કરતાં વિવાદ સામે આવ્યો છે. સિંગર કાજલ મહેરિયાએ અન્ય સમાજમાં લગ્ન કરી લેતા વિવાદ વકર્યો છે. તેના ભાઈએ આ લગ્નનને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જ્યારે તેની માતાએ પણ આ લગ્ન આર્થિક ફાયદા માટે થયા હોય તેવો આક્ષેપ કર્યો છે.
કાજલે એક વીડિયો જાહેર કરીને મૌન તોડ્યું
સિંગર કાજલ મહેરિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેણે લગ્નના વિવાદ પર એક વીડિયો જાહેર કરીને મૌન તોડ્યું છે. તેણે વીડિયો મારફતે કહ્યું હતું કે, ઘણા સમયથી મારા લગ્નને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ઘરની વાત ઘરમાં રહે તે માટે મેં બોલવાનું ટાળ્યું છે. મેં મારી મરજીથી પુખ્તવયે અલ્પેશ સાથે લગ્ન કર્યાં છે. કોઈ દબાણ અને ધમકીથી લગ્ન નથી કર્યા. ભારતીય બંધારણ પ્રમાણે મેં લગ્ન કર્યા છે. દોઢ વર્ષથી મારા અને અલ્પેશ વચ્ચેના સંબંધોને લઈને મારા પરિવારને જાણ કરી હતી. પરિવારને તે મંજૂર નહોતુ.
