મહેસાણા જિલ્લાની ખેરાલુ નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે બેંકની ચૂંટણી પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપી દેતા, સતત બીજી વાર ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવાની ફરજ પડી છે. આ ચૂંટણીમાં 'વિકાસ પેનલ' અને 'પરિવર્તન પેનલ' વચ્ચે સીધો અને રસાકસીભર્યો જંગ ખેલાવાનો હતો, પરંતુ કાયદાકીય ગૂંચવણોને કારણે હાલમાં મતદાન અટકી ગયું છે. પૂર્વ ચેરમેન મુકેશ દેસાઈએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે કોર્ટના આદેશને પગલે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી અટકાવવામાં આવી છે.
ચૂંટણી મોકૂફ રહેતા સત્તાનો પેચ ફસાયો
ચૂંટણી મોકૂફ રહેવાને કારણે હવે બેંકની સત્તા કોણ સંભાળશે તે બાબતે ખેરાલુના સહકારી આલમમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. વર્તમાન બોર્ડની મુદ્દત પૂર્ણ થઈ રહી હોવાથી બેંકમાં વહીવટદારની નિમણૂક થશે કે જૂનું બોર્ડ જ ચાલુ રહેશે, તેને લઈને સભાસદોમાં ભારે ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે, ખેરાલુના રાજકારણમાં આ બેંકની ચૂંટણીનું વિશેષ મહત્વ હોય છે અને બંને પેનલોએ જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, ત્યારે હવે હાઇકોર્ટના આગામી ચુકાદા પર સૌની મીટ મંડાયેલી છે.
