રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણી પ્રક્રિયામાં કરવામાં આવેલા ફેરફારો બાદ પાટીદાર આંદોલનકારી અને SPG અધ્યક્ષ લાલજી પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સરકારના આ નિર્ણયને સત્તાવાર રીતે તપાસવાની વાત કરી છે, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફારો હજુ સંતોષકારક નથી.
ઉચ્ચ અધિકારી પાસે નોંધણીની માંગ
લાલજી પટેલે માંગ કરી છે કે લગ્નની નોંધણી જે અત્યારે તલાટી કક્ષાએ થાય છે, તેને બદલે મામલતદાર કે કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓ પાસે થવી જોઈએ. તેમના મતે, ઉચ્ચ અધિકારીઓ પાસે નોંધણી થવાથી પ્રક્રિયામાં વધુ ગંભીરતા અને પારદર્શિતા આવશે.
દીકરીને માતા-પિતાને સોંપવાનો તર્ક
સૌથી મહત્વનું નિવેદન આપતા તેમણે જણાવ્યું કે, "જ્યારે કોઈ યુવક-યુવતી લગ્ન માટે આવે ત્યારે માત્ર વોટ્સએપથી જાણ કરવાથી લગ્ન અટકવાના નથી. જો લગ્ન બાદ દીકરીને તેના પતિને સોંપવાને બદલે માતા-પિતાને સોંપવામાં આવે, તો જ પરિવારને દીકરીને સમજાવવાનો પૂરતો સમય મળી શકે. આમ કરવાથી છેતરાઈને કે લાલચમાં આવીને થતા લગ્નો અટકાવી શકાય."
અમે પ્રેમ લગ્નના વિરોધી નથી
પોતાની વાત સ્પષ્ટ કરતા લાલજી પટેલે કહ્યું કે તેઓ પ્રેમ લગ્નના વિરોધમાં નથી, પરંતુ દીકરીઓને ફસાવીને કે બળજબરીથી થતા લગ્નો અટકાવવા જરૂરી છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર માત્ર આંદોલન દબાવવા માટે આવા નાના સુધારા કરી રહી છે, જે તેમને સ્વીકાર્ય નથી.
5 માંગણીઓ પર મક્કમ
SPG અધ્યક્ષે ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની 5 મુખ્ય માંગણીઓ સત્તાવાર રીતે સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. સરકારના આ નવા નિયમો માત્ર 'લોલીપોપ' સાબિત ન થાય તે જોવાની જવાબદારી સમાજની છે.
આ પણ વાંચો: Gandhinagar: જો અમારી દીકરી બીજે જતી હોય, તો બીજી જ્ઞાતિની દીકરી આદિવાસીમાં આવે તેવી માગ કરીશું- ચૈતર વસાવા