વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પદવી મેળવનાર 2200થી વધુ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવતા યુવાનોને ‘વિકસિત ભારત’ના સાચા ઘડવૈયા ગણાવ્યા હતા.


સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોમાં આત્મવિશ્વાસ જગાડતા મહત્વના નિવેદનો કર્યા હતા. પીએમ મોદીના વિઝનને ટાંકીને તેમણે જણાવ્યું કે, "આજનો યુવાન વિશ્વના કોઈપણ દેશ સાથે આંખમાં આંખ મિલાવીને ઊભો રહી શકે તેવો સશક્ત હોવો જોઈએ."સરકારનો સંકલ્પ યુવાનોને માત્ર નોકરી શોધનારા નહીં, પણ ‘જોબ ક્રિએટર’ (રોજગાર દાતા) બનાવવાનો છે. તાજેતરના બજેટમાં પણ યુવાનોના કૌશલ્ય વર્ધન અને પ્રોત્સાહન માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.યુવાનોએ ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે કામ કરી ભારતને અગ્રેસર બનાવવામાં ફાળો આપવો જોઈએ.

બ્લોકચેન ટેકનોલોજી દ્વારા ડિગ્રી એનાયત

આ પદવીદાન સમારોહમાં ટેકનોલોજીનો આધુનિક ઉપયોગ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. યુનિવર્સિટીએ બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને QR કોડ સાથેની ડિગ્રી આપી છે. આ ડિગ્રીની સત્યતા વિશ્વના કોઈપણ ખૂણેથી ત્વરિત ચકાસી શકાશે, જેનાથી ડોક્યુમેન્ટ ફ્રોડની શક્યતા નહિવત બનશે. કુલ 2213 વિદ્યાર્થીઓમાંથી 981 વિદ્યાર્થિનીઓએ પદવી મેળવી છે, જે શિક્ષણ ક્ષેત્રે સ્ત્રીઓના વધતા પ્રભુત્વને દર્શાવે છે.

યુનિવર્સિટીની પ્રગતિ અને સોલાર પ્રોજેક્ટ

મુખ્યમંત્રીએ યુનિવર્સિટીની સફરની પ્રશંસા કરતા કહ્યું કે, માત્ર 1500 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સંસ્થા આજે 20,000 વિદ્યાર્થીઓ સાથે વટવૃક્ષ બની છે. કાર્યક્રમ દરમિયાન 1500 KWના સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણ પ્રત્યેની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ પણ વાંચો: Bhavnagar: શહેરમાં મહીં-પરીએજમાં મેન્ટેનન્સને કારણે શહેરના 40% વિસ્તારોમાં બે દિવસ પાણી કાપ

  • Follow us on: