મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે લેવામાં આવતા નિર્ણયો ઘણીવાર વિવાદનું કેન્દ્ર બનતા હોય છે. તાજેતરમાં ગાંધીનગર લિંક રોડ પર બની રહેલા ગટરના પમ્પિંગ સ્ટેશને સ્થાનિક રહીશોમાં રોષની જ્વાળા ભડકાવી દીધી છે. વિવાદનું મુખ્ય કારણ એ છે કે, જે જગ્યાએ પીવાના પાણીનો મુખ્ય 'સંપ' આવેલો છે, તેની બિલકુલ બાજુમાં જ મનપા દ્વારા ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.


પીવાના પાણી અને ગટરના પાણી એક સાથે થવાની શક્યતા

લોકોનો ડર અને આરોપ સ્થાનિકોનો આક્ષેપ છે કે પીવાના પાણીના સ્ત્રોત અને ગટરનું સ્ટેશન એકબીજાની અડીને હોવાથી ભવિષ્યમાં ગટરનું દૂષિત પાણી પીવાના પાણીમાં ભળવાની પૂરેપૂરી શક્યતા છે. જો કોઈ લીકેજ થાય અથવા ટેકનિકલ ખામી સર્જાય, તો હજારો લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઊભો થઈ શકે છે. રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે રહીશોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા મામલો બિચક્યો છે.

મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા

ગાંધીનગર લિંક રોડ પર વિરોધનું વંટોળ ગાંધીનગર લિંક રોડ પર ચાલી રહેલી આ કામગીરીનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રહીશોનો આક્રોશ એટલો હતો કે તેઓએ મનપાની કચેરીએ પહોંચીને 'રામધૂન' બોલાવી અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. લોકોનું કહેવું છે કે, "તંત્રને જગાડવા માટે અમારે ભગવાનને પ્રાર્થના કરવી પડી રહી છે.

તંત્ર સામે અનેક સવાલો

આ ઘટનાએ મનપાના એન્જિનિયરો અને આયોજન કરનારાંઓની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. શું મનપા પાસે અન્ય કોઈ ખાલી જગ્યા ઉપલબ્ધ નથી? શું લોકોના આરોગ્ય કરતા પ્રોજેક્ટ પૂર્ણ કરવો વધુ મહત્વનો છે? અત્યારે તો સ્થાનિકોની એક જ માંગ છે કે આ પમ્પિંગ સ્ટેશન અન્યત્ર ખસેડવામાં આવે જેથી ભવિષ્યમાં જળ પ્રદૂષણની કોઈ સમસ્યા ન સર્જાય.

આ પણ વાંચોઃ Patan: સાંતલપુરના મામલતદારે કર્યો સ્યુસાઇડનો પ્રયાસ, ભાણેજ સહિત 8 લોકો પર કર્યા ગંભીર આક્ષેપ


  • Follow us on: