ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વસઈ પોલીસ મથકની હદમાં આવતા ડાભલા ગામ પાસે પિસ્તોલની અણીએ ₹64 લાખની લૂંટની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. રાધે હોટલ પાસે બનેલી આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, ફરિયાદી જે એજન્ટ દ્વારા વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હતા, તે જ એજન્ટના માણસોએ તેમને પિસ્તોલ બતાવીને લૂંટી લીધા છે.


વિદેશ મોકલવાના નામે બોલાવી લૂંટનો અંજામ

બનાવની વિગત મુજબ, ફરિયાદી બળવંતસિંહ પોતાના પુત્રને વિદેશ મોકલવા માંગતા હતા. તેમણે વિદેશ મોકલવાના એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સાથે સંપર્ક કર્યો હતો. એજન્ટ નિલેશે દિલ્હીથી પૈસાની લેવા પોતાના માણસો મોકલ્યા હોવાનું જણાવી બળવંતસિંહને ડાભલા પાસે આવેલી રાધે હોટલ નજીક બોલાવ્યા હતા. બળવંતસિંહ જ્યારે ₹64 લાખની રોકડ સાથે ત્યાં પહોંચ્યા ત્યારે એજન્ટના માણસોએ અચાનક પિસ્તોલ કાઢી તેમને મોતનો ડર બતાવ્યો હતો.

વસઈ પોલીસે તપાસનો ધમધમોટ તેજ કર્યો

પિસ્તોલની અણીએ તસ્કરો 64 લાખ ભરેલી બેગ આંચકીને ફરાર થઈ ગયા હતા. આટલી મોટી રકમની લૂંટ થતા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે. બળવંતસિંહે આ મામલે વસઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ અને દિલ્હીથી આવેલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ભેગા કરેલા લાખો રૂપિયાની લૂંટ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


આ પણ વાંચો----    Gandhinagar : ‘ખાખી’ ના નામે દિલધડક ચોરી, પોલીસની ગાડીમાં આવ્યા તસ્કરો અને સેકન્ડોમાં હાથફેરો કરી ફરાર

  • Follow us on: