બહુચરાજી પોલીસે રાજ્યભરમાં 15થી વધુ યુવકો સાથે લગ્ન કરીને રોકડ અને દાગીનાની લૂંટ ચલાવનારી 'લૂંટેરી દુલ્હન' ચાંદનીની આંતરજિલ્લા ટોળકીનો પર્દાફાશ કર્યા બાદ આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ કૌભાંડમાં ખોટા દસ્તાવેજો બનાવવામાં મદદ કરનાર એક નોટરી વકીલ ભીમજી ચૌહાણને ઝડપી પાડ્યો છે.


ટોળકી લગ્નના નામે કૌભાંડ

પ્રાથમિક તપાસ મુજબ, આ ટોળકી લગ્ન માટે જરૂરી એવા ખોટા આધાર કાર્ડ અને લિવિંગ સર્ટિફિકેટ (L.C.) જેવા દસ્તાવેજો ઊભા કરવા માટે ભીમજી ચૌહાણની મદદ લેતી હતી. આ નોટરી વકીલ ખોટા દસ્તાવેજોને કાયદેસરતા પ્રદાન કરવામાં મદદ કરતો હતો, જેના કારણે ટોળકી લગ્નના નામે કૌભાંડ આચરી શકી હતી.

કૌભાંડની મોડસ ઓપરેન્ડી

મુખ્ય આરોપી ચાંદની રાજ્યભરના 15થી વધુ યુવકો સાથે લગ્ન કરતી હતી. લગ્ન કર્યા બાદ માત્ર ચાર જ દિવસમાં તે પિતાની બીમારીનું બહાનું કાઢીને ઘરમાંથી દાગીના અને રોકડ લઈને ફરાર થઈ જતી હતી. આ કૌભાંડને અંજામ આપવા માટે આરોપીઓ અમદાવાદના 'શુભમ' અને 'જયમાડી' નામના મેરેજ બ્યુરોની મદદ લેતા હતા. આ ટોળકી માત્ર લૂંટ સુધી સીમિત નહોતી, પરંતુ જ્યારે પીડિત યુવકો છૂટાછેડાની માંગણી કરતા ત્યારે તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તોડ પણ કરવામાં આવતો હતો. પોલીસે અંદાજ લગાવ્યો છે કે આ ટોળકીએ લગ્નના નામે ₹૫૨ લાખથી વધુની રકમ ખંખેરી છે.

4 આરોપીઓની ધરપકડ કરી

અગાઉ, પોલીસે આ કૌભાંડની મુખ્ય સૂત્રધાર દુલ્હન ચાંદની, તેની માતા, મુખ્ય દલાલ રાજેશ અને અન્ય એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી. હવે, ખોટા દસ્તાવેજો બનાવનાર નોટરીની ધરપકડથી આ કૌભાંડના મૂળ સુધી પહોંચવામાં પોલીસને મદદ મળશે.

આ પણ વાંચો: શિયાળાની શરૂઆત છતાં શાકભાજીના ભાવ આસમાને, કમોસમી વરસાદની બેવડી અસર


  • Follow us on: