બેચરાજી તાલુકાના શંખલપુર ગામની સીમમાં તસ્કરોએ તરખાટ મચાવતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અજાણ્યા તસ્કરોએ એક જ રાત્રિ દરમિયાન પાંચ જેટલા ખેતરોને નિશાન બનાવી અંદાજે રૂ. 85,500 ની કિંમતના ઇલેક્ટ્રિક કેબલ અને સાધનોની ચોરી કરી છે. ખેતીની સીઝન વચ્ચે જ બોરના કેબલ ચોરાતા ખેડૂતો આર્થિક મુસીબતમાં મુકાયા છે.
રાત્રિના અંધકારમાં ખેલાયો ચોરીનો ખેલ
શંખલપુર ગામના રહેવાસી પટેલ સુરેશભાઈએ રાત્રિના સમયે પોતાના ખેતરે જઈ બોર ચાલુ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. સવારે જ્યારે તેઓ ખેતર પર પરત આવ્યા ત્યારે બોરની ઓરડીથી બોરવેલ સુધીનો 25 એમ.એમ. નો કિંમતી કેબલ વાયર ગાયબ હતો. આસપાસ તપાસ કરતા જાણવા મળ્યું કે તસ્કરોએ માત્ર સુરેશભાઈ જ નહીં, પણ આજુબાજુના અન્ય ચાર ખેડૂતોના ખેતરમાં પણ સફાયો બોલાવ્યો હતો.










