ઐતિહાસિક અને વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે આજે ઘૂંઘરૂના નાદ અને કલાત્મક નર્તન સાથે 'ઉત્તરાર્ધ મહોત્સવ-2026'નો શાનદાર પ્રારંભ થયો છે. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે દીપ પ્રાગટ્ય કરી બે દિવસીય શાસ્ત્રીય નૃત્યના આ પર્વને ખુલ્લું મૂક્યું હતું. રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ તેમજ મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ ઉત્સવ ભારતીય કલા વારસાને વિશ્વ સ્તરે નવી ઓળખ અપાવી રહ્યો છે.


કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન

ઉત્સવના પ્રારંભે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી તાનારીરી અને ઉત્તરાર્ધ મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા કલાના સાધકોને યોગ્ય સન્માન અને પ્લેટફોર્મ મળ્યું છે. તેમણે ભારતીય કલા વારસાને નવી પેઢી સુધી જીવંત રાખવા બદલ કલાગુરુઓનો આભાર માન્યો હતો અને ઉપસ્થિત કલાકારોનું સન્માન કર્યું હતું.

ક્લિન એનર્જી અને સૂર્ય ઉપાસનાનું કેન્દ્ર

મંત્રીએ મોઢેરાના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે, મોઢેરા દેશનું પ્રથમ સોલાર ગામ છે જે સૂર્ય ઉર્જાથી રાત્રે ઝળહળે છે. ભારત આજે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને બદલે સૂર્ય, પવન અને જળ જેવા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી 'ક્લિન એનર્જી'ના ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે.

પ્રથમ દિવસે નૃત્યની મનમોહક પ્રસ્તુતિ

મહોત્સવના પ્રથમ દિવસે દેશના નામાંકિત કલાકારોએ વિવિધ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.  રમીન્દર ખુરાના, મીનાક્ષી શ્રીયન અને પેરી કૃષ્ણ હર્ષિતા, માયા કુલશ્રેષ્ઠા, ડૉ. શ્રુતિ બંદોપાધ્યાય, બીના મહેતા

ઉત્સવનો ઇતિહાસ

ઉલ્લેખનીય છે કે, મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992 થી દર વર્ષે ઉત્તરાયણ પર્વ બાદ આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મંત્રીએ સખી મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી.

આ પણ વાંચો: નાગપુરની ફૂટપાથથી નેધરલેન્ડના મેયર સુધીની સફર, 41 વર્ષે માતાની શોધમાં ભારત પરત ફર્યા ફાલ્ગુન


  • Follow us on: