અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત કોલેજ રોડ પર આવેલી એક વિઝા કન્સલ્ટન્ટની ઓફિસ બહાર અલગ-અલગ ધર્મના દંપતી પર કેટલાક શખ્સોના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ જાહેરમાં યુવકને લાકડીઓ અને ઢીકાપાટુનો ઢોર માર મારી યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.
પ્રેમ લગ્નનો અજંપો અને અપહરણ
મિહિર પંચાલ અને અલ્ફીના નામના યુવક-યુવતીએ આશરે ૬ મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. અલગ-અલગ ધર્મના હોવાના કારણે બંને પક્ષે અગાઉથી જ અજંપો હતો. આ દંપતી ઓસ્ટ્રેલિયા જવા માટે વિઝા ઓફિસે આવ્યું ત્યારે બે કારમાં આવેલા શખ્સોએ મિહિરને નિર્મમતાપૂર્વક માર માર્યો હતો અને બંનેને બળજબરીપૂર્વક છૂટા પાડી અલ્ફીનાને ઉઠાવી ગયા હતા.













