વર્ષ 2021માં મોરબીના વિસીપરા વિસ્તારમાં થયેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. નગરપાલિકાની ચૂંટણીની અદાવતમાં પિતા-પુત્રની હત્યા કરનાર ચારેય શખ્સોને કોર્ટે આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા 30 હજારનો દંડ ફટકાર્યો છે.


મોરબીમાં વર્ષ 2021માં ડબલ મર્ડરનો કેસ 

ઘટના વર્ષ 2021ની છે, જ્યારે મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝ મોટલાણી પર જૂની રાજકીય અદાવત રાખી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. નગરપાલિકાની ચૂંટણીના ખારમાં આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને પિતા-પુત્ર પર છરી અને ઘારીયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે બંનેનું કરુણ મોત નીપજ્યું હતું.

સજા પામેલા આરોપીઓની યાદી

કોર્ટે પુરાવા અને સાક્ષીઓની તપાસ બાદ નીચે મુજબના ચાર આરોપીઓને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે: ૧. રફીક તાજમહમદ જેડા (ડાડો ઉર્ફે દાદુ) ૨. અસગર જાકમ ભટ્ટી ૩. જુસબ જાકમ ભટ્ટી ૪. આસિફ સુમરા

કોર્ટનો મહત્વનો ચુકાદો

આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે અવલોકન કર્યું હતું કે રાજકીય હરીફાઈમાં કોઈની જિંદગી છીનવી લેવી એ ગંભીર અપરાધ છે. કોર્ટે ચારેય આરોપીઓને આજીવન કેદની સાથે સાથે આર્થિક દંડ પણ ફટકાર્યો છે. જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara: ડ્રગ્સના સોદાગરોનો સાથીદાર નીકળ્યો પોલીસકર્મી, કરોડપતિ ASI લક્ષ્મી દેસાઈની SMC દ્વારા ધરપકડ

  • Follow us on: