વડોદરા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) માં ફરજ બજાવતા ASI લક્ષ્મી દેસાઈની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા નાર્કોટિક્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. નિવૃત્તિને આડે માત્ર 5 મહિના બાકી હતા ત્યારે જ હેરોઈનની હેરાફેરીમાં પોલીસની સંડોવણી ખુલતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે.


ASIની નાર્કોટિક્સ કેસમાં ધરપકડ

ઘટનાની શરૂઆત 9 જાન્યુઆરીના રોજ થઈ હતી જ્યારે SMCની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પર દરોડો પાડ્યો હતો. રાજસ્થાનથી 239 ગ્રામ હેરોઈન (કિંમત ₹47 લાખ) લઈને આવેલા અમરિક સિંહ માલ્હીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીના મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ દરમિયાન ASI લક્ષ્મી દેસાઈ સાથેના તેના ગાઢ સંબંધોનો પર્દાફાશ થયો હતો.

ASI 'ટિપ્સ' આપતો અને પોલીસની વોચથી બચાવતો

તપાસમાં બહાર આવ્યું છે કે લક્ષ્મી દેસાઈ છેલ્લા એક વર્ષથી ડ્રગ્સ પેડલર અમરિક સિંહના સંપર્કમાં હતો. એક પોલીસકર્મી હોવા છતાં તે આરોપીને મદદ કરતો હતો. માલ ક્યાંથી અને કયા રસ્તે લાવવો તેની ચોક્કસ ટિપ્સ આપતો હતો. જો પોલીસ કોઈ વિસ્તારમાં વોચમાં હોય તો તેની એડવાન્સ જાણકારી આરોપીને આપી દેતો હતો.લક્ષ્મી દેસાઈ વિભાગમાં 'કરોડપતિ પોલીસકર્મી' તરીકે ઓળખાય છે અને તેણે કારકિર્દીનો મોટાભાગનો સમય મહત્વની બ્રાન્ચોમાં જ વિતાવ્યો છે.

કડક કલમો હેઠળ કાર્યવાહી

SMC એ મજબૂત પુરાવા એકત્ર કર્યા બાદ લક્ષ્મી દેસાઈની ધરપકડ કરી છે. આ કેસમાં NDPS એક્ટની કલમ 59 અને BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. નવી કલમો મુજબ જો ગુનો સાબિત થાય તો આરોપીને 10 થી 20 વર્ષની સજા થઈ શકે છે.

આ પણ વાંચો: Jamnagar: ટીખળખોર યુવકે 24 જાન્યુઆરીની રાત્રે બસને ચાંપી આગ, CCTVમાં કેદ થઈ હરકત

  • Follow us on: