મોરબીમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં બે માસૂમ અસ્થિર મગજની વૃદ્ધ મહિલાઓ સાથે હેવાનીયતભર્યું કૃત્ય આચરવામાં આવ્યું છે. પોલીસની સતર્કતાને કારણે ગણતરીના દિવસોમાં જ આ નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.


સેવાકીય સંસ્થામાં દીવાલ કૂદી આચરી હેવાનીયત

આ કમકમાટીભરી ઘટના 7 જાન્યુઆરીની રાત્રે બની હતી. મોરબીના લીલાપર રોડ પર આવેલી એક સેવાકીય સંસ્થાની પાછળના ભાગે જ મજૂરી કામ કરતા બે નરાધમોની દાનત બગડી હતી. આરોપીઓ ડાયાભાઈ ખાનાભાઈ ચૌહાણ (૩૨) અને હરેશભાઇ જીવાભાઈ સોલંકી (૩૦) રાત્રિના અંધકારમાં સંસ્થાની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. તેઓએ બાથરૂમમાં બાખોરું પાડીને રૂમમાં ઘૂસી આ અસહાય વૃદ્ધ મહિલાઓ પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

મહિલાઓના ઈશારાથી ખુલ્યું પાપ

ભોગ બનનાર બંને મહિલાઓ અસ્થિર મગજની હોવાથી તેઓ પોતાની સાથે થયેલી પીડા શબ્દોમાં વ્યક્ત કરી શકતી નહોતી. જોકે, તેમના વર્તનમાં આવેલા બદલાવ અને શરીરના અંગો પર થતા દુખાવાના ઈશારાને કારણે સંસ્થાના સંચાલકોને શંકા ગઈ હતી. તુરંત જ મહિલાઓને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબી પરીક્ષણમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ હતી.

પોલીસની ત્વરિત કાર્યવાહી અને ધરપકડ

ઘટનાની ગંભીરતાને જોતા એ-ડિવિઝન, એલસીબી (LCB) અને એસઓજી (SOG)ની ટીમો કામે લાગી હતી. સીસીટીવી ફૂટેજ અને આસપાસના શકમંદોની પૂછપરછના આધારે પોલીસે બંને મજૂરોને દબોચી લીધા હતા. પોલીસના કડક વલણ સામે બંને આરોપીઓ ભાંગી પડ્યા હતા અને પોતાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ શખ્સો અગાઉ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ.

આ પણ વાંચો: ગુજરાતની ગૌસેવાથી અભિનેતા સોનુ સૂદ પ્રભાવિત, વારાહીમાં પોતાના હાથે ગાયોને ગોળ ખવડાવ્યો



  • Follow us on: