ગુજરાતનો સમુદ્ર કિનારો દરિયાઈ જીવસૃષ્ટિ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકાના દરિયા બાદ હવે મોરબીના નવલખી દરિયામાં પણ ડોલ્ફિન માછલીઓ જોવા મળી છે. દરિયાની વચ્ચે લટાર મારતી ડોલ્ફિનનો અદભૂત નજારો જોવા મળતા પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
નવલખી દરિયામાં ડોલ્ફિન માછલી જોવા મળી
નવલખીના દરિયામાં માછીમારી કરવા ગયેલા અને બોટમાં સવાર માછીમારોને અચાનક પાણીમાં ઉછળકૂદ કરતી ડોલ્ફિન નજરે પડી હતી. એક જાગૃત માછીમારે આ સુંદર દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે ડોલ્ફિન પાણીની સપાટી પર ડૂબકીઓ લગાવી રહી છે, જે જોવી એક લ્હાવો છે.
દરિયાઈ જીવસૃષ્ટિમાં વધારો
મોરબી જિલ્લાના નવલખી દરિયાઈ પટ્ટીમાં ડોલ્ફિન જોવા મળવી એ પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિ માટે ખૂબ જ સકારાત્મક સંકેત માનવામાં આવે છે. સામાન્ય રીતે ડોલ્ફિન શુદ્ધ અને અનુકૂળ વાતાવરણ હોય ત્યાં જ જોવા મળતી હોય છે. દ્વારકા પછી હવે નવલખીમાં પણ ડોલ્ફિનના દર્શન થતા અહીંની દરિયાઈ જીવસૃષ્ટિ સમૃદ્ધ હોવાનું સાબિત થઈ રહ્યું છે.
કુતૂહલ અને ઉત્સાહ
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. લોકો આ દ્રશ્યો જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. મોરબીના દરિયામાં ડોલ્ફિનની હાજરીથી આગામી સમયમાં પ્રવાસન અને દરિયાઈ સંશોધકો માટે પણ નવા દ્વાર ખુલી શકે છે.
આ પણ વાંચો: Rajkot: ઉપલેટામાં લોહીના સંબંધો લજવાયા, નરાધમ પિતાએ 4 વર્ષ સુધી સગી પુત્રી પર ગુજાર્યું દુષ્કર્મ