ઉપલેટા શહેરમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લજવતી ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ફિટકારની લાગણી જન્માવી છે. એક 19 વર્ષીય યુવતીએ પોતાના જ નરાધમ પિતા સામે હિંમત બતાવી પોલીસ ફરિયાદ નોંધાવતા આ પાશવી કૃત્યનો પર્દાફાશ થયો છે.


માતા પથારીવશ અને પિતા બન્યો હેવાન

મળતી માહિતી મુજબ, આરોપી પિતા શહેરમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે. ઘરની પરિસ્થિતિ કપરી હતી કારણ કે પીડિતાની માતા લાંબા સમયથી બીમારીને કારણે પથારીવશ હતી. માતાની સેવા કરવાની અને પુત્રીનું રક્ષણ કરવાની જવાબદારી જે પિતાના શિરે હતી, તે પિતાએ જ વિકૃતિની તમામ હદો વટાવી દીધી હતી. પોતાની વાસના સંતોષવા માટે તેણે 15 વર્ષની વયથી જ દીકરીને હવસનો શિકાર બનાવવાનું શરૂ કર્યું હતું.

ઢોર માર અને ધમકીના જોરે અત્યાચાર

આરોપી પિતા પોતે વિકલાંગ હોવા છતાં તેની હેવાનિયતમાં કોઈ કમી નહોતી. તે પુત્રીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો અને જો પુત્રી વિરોધ કરે તો તેને ઢોર માર મારતો હતો. પિતાના ડર અને સમાજમાં બદનામી થવાની બીકે આ માસૂમ દીકરી છેલ્લા ચાર વર્ષથી આ અત્યાચાર મૂંગા મોઢે સહન કરતી રહી. પરંતુ, પિતાની હેવાનિયત વધતા અંતે પીડિતાએ મૌન તોડવાનો નિર્ણય કર્યો હતો.

પોલીસ કાર્યવાહી અને સમાજમાં રોષ

પીડિતાએ હિંમત ભેગી કરી પોલીસનું શરણું લીધું અને આપવીતી જણાવી. ઉપલેટા પોલીસે આ મામલે ગંભીરતા દાખવી નરાધમ પિતા સામે બળાત્કાર અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આરોપી પિતાને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.આ ઘટનાએ સમાજમાં એવો ગંભીર પ્રશ્ન ઊભો કર્યો છે કે જો દીકરી પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી, તો ક્યાં સુરક્ષિત છે? લોકો આ નરાધમ પિતાને કડકમા કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.

 આ પણ વાંચો: Dwarka: પ્રવાસન ક્ષેત્રે મોટું પગલું, ટ્રાફિક મુક્તિ માટે 4.50 કિમી લાંબો આધુનિક ફોર-લેન બાયપાસ રોડ બનશે

  • Follow us on: