મોરબીના GIDC વિસ્તારમાં એક ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થવાની ઘટના બની છે. દૂધ ગરમ કરવા માટે વપરાતા બોઈલરમાં અચાનક વિસ્ફોટ થતાં કામ કરી રહેલા શ્રમિકોમાં ગભરાટ ફેલાયો હતો. આ અકસ્માતમાં એક શ્રમિક ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે.


ઓવરહિટીંગ બન્યું અકસ્માતનું કારણ

પ્રાથમિક વિગતો મુજબ, દૂધ ગરમ કરવાની પ્રક્રિયા દરમિયાન બોઈલરમાં તાપમાન મર્યાદા કરતા વધી ગયું હતું. ઓવરહિટીંગને કારણે બોઈલર અચાનક ધડાકાભેર ફાટ્યું હતું. આ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસ કામ કરી રહેલા લોકો ફફડી ઉઠ્યા હતા.

શ્રમિક ગંભીર રીતે દાઝી ગયો 

આ બ્લાસ્ટ દરમિયાન ત્યાં નજીકમાં કામ કરી રહેલો એક શ્રમિક ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટના બાદ તુરંત જ અન્ય કામદારો અને સંચાલકોએ દોડી આવી ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોટી દુર્ઘટના ટળી

જે સમયે બ્લાસ્ટ થયો તે સમયે ફેક્ટરીમાં અન્ય શ્રમિકો પણ હાજર હતા, પરંતુ સદનસીબે બ્લાસ્ટની અસર મર્યાદિત રહેતા અન્ય કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જો વિસ્ફોટ વધુ મોટો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત, જે ટળતા ફેક્ટરી સંચાલકો અને શ્રમિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો: Bhavnagar: સિહોર જંક્શન પર પોઈન્ટ્સમેન બન્યો દેવદૂત, ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ રહેલી યુવતીને બચાવી

  • Follow us on: