આજના સમયમાં રાતોરાત અમીર બનવાની અને મોંઘીદાટ વસ્તુઓ ઈનામમાં મેળવવાની લાલચ લોકોને કેવી રીતે ભારે પડી શકે છે, તેનો જીવતો-જાગતો કિસ્સો હળવદમાં જોવા મળ્યો છે. ધાર્મિક હેતુનું બહાનું ધરીને 'મામાધણી ગ્રુપ' દ્વારા આયોજિત કરવામાં આવેલા ઈનામી ડ્રોમાં સેંકડો લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. ડ્રો જાહેર થયા બાદ આયોજકો ઈનામ વિતરણ કરવાને બદલે ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે.


ધર્મના નામે ધૂતારા સક્રિય

મળતી વિગતો મુજબ, હળવદના કડિયાણા અને માથક ગામ વચ્ચે આવેલા મામાદેવના મંદિરના વિકાસ માટે ફંડ એકત્ર કરવાના બહાને 'મામાધણી ગ્રુપ' દ્વારા એક ઈનામી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ દ્વારા હળવદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હજારો ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું. લોકોએ પણ મંદિરના વિકાસમાં સહયોગ મળશે અને સાથે ઈનામ લાગશે તેવી શ્રદ્ધાથી મોટી સંખ્યામાં ટિકિટો ખરીદી હતી.

606 ઈનામોની લાલચ અને મોટી રકમનો તોડ

આયોજકોએ લોકોને લલચાવવા માટે કુલ 606 નાના-મોટા ઈનામોની જાહેરાત કરી હતી. જેમાં  ₹11 લાખની રોકડ અથવા તે કિંમતની વસ્તુ. ₹2.50 લાખની કિંમતનું ઈનામ.અન્ય સેંકડો આકર્ષક ભેટ-સોગાદો.

ડ્રો થયો પણ ઈનામ ન મળ્યા

ગત 15 જાન્યુઆરીના રોજ આયોજન મુજબ ડ્રો કરવામાં આવ્યો હતો. જેવી ઈનામોની જાહેરાત થઈ, ત્યારે વિજેતા બનેલા લોકો પોતાના ઈનામો લેવા માટે આયોજકો પાસે પહોંચ્યા હતા. જોકે, આયોજકોએ ગલ્લાતલ્લા કરવાનું શરૂ કર્યું હતું અને અંતે તમામ આયોજકો ઓફિસ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ₹11 લાખ અને ₹2.50 લાખ જેવા મોટા ઈનામો જીતનારા લોકો હવે કાનૂની મદદ લેવા મજબૂર બન્યા છે.

લોકોમાં ભારે રોષ

લાખોની છેતરપિંડી આચરીને આયોજકો ફરાર થઈ જતા હળવદ પંથકના ભોગ બનનાર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધર્મના નામે થયેલી આ લૂંટને પગલે લોકો હવે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે કોઈ પણ ઈનામી ડ્રો કે સ્કીમમાં રોકાણ કરતા પહેલા તેની સત્યતા તપાસવી અત્યંત અનિવાર્ય છે.

આ પણ વાંચો: કુબેરનગરમાં પોલીસનો દરોડો, દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

  • Follow us on: