મોરબી જિલ્લાના હળવદ પંથકમાં માર્ગ અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હળવદના દેવાળિયા ગામના પાટીયા નજીક પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. આ હિટ એન્ડ રનની ઘટનામાં 55 વર્ષીય દેવશીભાઈ વડેચા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને વાહનચાલક પોતાનું વાહન લઈને અંધારામાં ફરાર થઈ ગયો હતો, જેના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
હળવદ પોલીસ એક્શનમાં
ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે. હાઈવે પર સતત વધતા અકસ્માતો અને હિટ એન્ડ રનના કિસ્સાઓને રોકવા માટે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. આ અકસ્માતને પગલે મૃતક વૃદ્ધના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.













