સિરામિક સિટી મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. લાતી પ્લોટ નંબર 6 માં આવેલી 'વર્લ્ડ ગિફ્ટ એન્ડ શોપ' નામની ફેક્ટરીના કલર વિભાગમાં ગત રોજ અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


કલર વિભાગમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

ઘટનાની મળતી માહિતી અનુસાર, આ ફેક્ટરીના કલર વિભાગમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. કલર અને અન્ય કેમિકલ જેવો જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિકો અને અન્ય કારખાનાના કામદારોમાં ગભરાટ ફેલાયો હતો.

ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરી

ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. કલાકોની જહેમત બાદ ફાયરના જવાનોએ આગને વધુ પ્રસરતા અટકાવી હતી અને મહદઅંશે તેના પર કાબુ મેળવી લીધો હતો.

આગ લાગવાનું કારણ અકબંધ

સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ફેક્ટરીના કલર વિભાગમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ જતા મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.


આ પણ વાંચો - Morbi News: માળીયા પોલીસે પશુ આહારની આડમાં ચાલતા દારૂના મોટા નેટવર્કનો કર્યો પર્દાફાશ, 40 લાખનો મુદ્દામાલ જપ્ત


  • Follow us on: