મોરબી લગધીરપુર ગામ નજીક આવેલ લેક્સેસ સિરામિક ફેકટરીમાં યુવતીની લાશ પડી હોવાની જાણ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ બનાવ સ્થળે પહોંચી તપાસ શરૂ કરતા મધ્યપ્રદેશની વતની પુષ્પાબેન ગંભીરસિંહ મરાવી ઉ.20ની લાશ લેબરરૂમમાંથી મળી આવી હતી. મૃતક પુષ્પાબેન મરાવીના શરીર પર ઇજાના નિશાન જોવા મળતા પોલીસે પુષ્પાબેન જેમની સાથે રહેતા હતા તેવા પ્રેમી નરેન્દ્રસિંહ કમલસિંહ ધ્રુવેલ ઉ.25ની પૂછતાછ શરૂ કરતા શરૂઆતમાં ગલ્લાતલ્લા કર્યા બાદ આરોપી નરેન્દ્રસિંહે સાંજના સમયે પુષ્પા સાથે ઝઘડો થતા માર માર્યો હોવાનું કબૂલ કર્યું હતું.
લોકઅપમાં પ્રેમીનું થયું મોત
બીજી તરફ આરોપી નરેન્દ્રસિંહે પુષ્પાની હત્યાની કબૂલાત આપતા તાલુકા પોલીસ આરોપીને તાલુકા પોલીસ મથકે લાવી હતી અને વિધિવત હત્યા અંગે ગુનો નોંધી નરેન્દ્રસિંહની ધરપકડ કરી લોકઅપમાં રાખ્યો હતો. દરમિયાન વહેલી પરોઢે અચાનક નરેન્દ્રસિંહને છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમાં નરેન્દ્રસિંહનું મૃત્યુ નીપજ્યું હતું.
