વિશ્વભરમાં પ્રખ્યાત મોરબીના સિરામિક ઉદ્યોગ પર ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુધ્ધના કાળા વાદળો ઘેરાયા છે. સ્ટ્રેટ ઓફ હોમુંઝ પર ઈરાનના નિયંત્રણ અને જહાજો રોકવાના કારણે ખાડી દેશોમાંથી આવતો ગેસ અને પેટ્રોલિયમ સપ્લાય ખોરવાયો છે, જેના કારણે મોરબીમાં પ્રોપેન અને નેચરલ ગેસની ભારે અછત સર્જાઈ છે.
કારણે સિરામિક ઉદ્યોગ એકાદ સપ્તાહમાં જ સંપૂર્ણ બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે ગલ્ફ દેશોમાંથી આવતી ગેસ અને પેટ્રોલિયમ પ્રોડકટ્સની સપ્લાય અત્યારે સ્થગિત થઈ ગઈ છે. ઈરાને હોમુંઝ પોઈન્ટ પર જહાજો રોકી દીધા હોવાથી આ વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. હાલમાં મોરબીમાં પ્રોપેન ગેસ સપ્લાય કરતી કંપનીઓ પાસે પણ સ્ટોક થોડો જ બચ્યો હોવાનો અંદાજ છે. જેથી સંભવતઃ આજથી જ પ્રોપેન ગેસની સપ્લાય બંધ થઈ જવાની છે.
50 ટકા કાપ સાથે ઉદ્યોગ ચાલુ રાખવો પણ શકય નથી
આ ગંભીર પરિસ્થિતિને લઈને સિરામિક એસોસિએશન દ્વારા ગુજરાત ગેસના અધિકારીઓ સાથે પણ મીટિંગ કરવામાં આવી હતી. જોકે, ગુજરાત ગેસ પાસે પણ હાલ કેટલો ગેસ ઉપલબ્ધ છે અને તેઓ કેટલા દિવસ સપ્લાય આપી શકશે તેનો કોઈ સ્પષ્ટ કે સંતોષકારક જવાબ ન હતો. બીજી તરફ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર ગુજરાત ગેસ ૧૦ દિવસ સુધી નેચરલ ગેસની સપ્લાય કરવાનું છે. પરંતુ ત્રણેક દિવસ બાદ ૫૦ ટકા કાપ પણ લાગુ કરવાનું છે. ૫૦ ટકા કાપ સાથે ઉદ્યોગ ચાલુ રાખવો પણ શક્ય ન હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.
શટડાઉન થતી ફેક્ટરીઓનો આંકડો ઝડપથી વધી શકે છે
આ અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે જો આગામી દિવસોમાં યુધ્ધની સ્થિતિમાં સુધારો નહીં થાય અને ગેસની સપ્લાય પૂર્વવત નહીં થાય, તો આવનારા સપ્તાહમાં મોરબીનો સમગ્ર સિરામિક ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ કરવો પડે તેવી ગંભીર નોબત આવી શકે છે. વર્તમાન ગેસ કટોકટીની અસર હવે ગ્રાઉન્ડ લેવલ પર દેખાવાની શરૂ થઈ ગઈ છે. હજુ સુધી કોઈ સત્તાવાર પાકા આંકડા નથી, પરંતુ મળતી પ્રાથમિક માહિતી મુજબ પ્રોપેન ગેસ ન મળવાના કારણે મોરબીમાં બે-પાંચ જેટલી સિરામિક ફેક્ટરીઓ બંધ (શટડાઉન) થઈ ગઈ હોવાના મેસેજ મળી રહ્યા છે. જો ગેસનો પ્રશ્ન જલ્દી હલ નહીં થાય તો શટડાઉન થતી ફેક્ટરીઓનો આંકડો ઝડપથી વધી શકે છે.
આ પણ વાંચો : Ahmedabad News : ગ્રીન સિટી બનાવવા AMC 1 હજાર કરોડના બોન્ડ બહાર પાડશે, કિચન ગાર્ડનિંગ પર વર્કશોપ યોજાશે