મોરબીના ઉદ્યોગ નગર ગણાતા સરતાનપર રોડ પર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીપૂર્ણ લૂંટની ઘટના સામે આવી છે. ફિલ્મી સ્ટાઈલથી બનેલી આ ઘટનામાં એક કાર સવાર ટોળકીએ મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા યુવકને નિશાન બનાવ્યો હતો. લૂંટારુઓએ ધોળાદિવસે યુવકની એક્ટિવાને કારથી જોરદાર ટક્કર મારી નીચે પાડી દીધો હતો અને ત્યારબાદ છરીની અણીએ આશરે 8 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ લૂંટીને પળવારમાં રફુચક્કર થઈ ગયા હતા.
એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી
મળતી માહિતી મુજબ, ફારૂક સુમરા નામનો યુવાન મોરબીમાં મની ટ્રાન્સફર (નાણાંની હેરફેર) નું કામકાજ કરે છે. તે પોતાની એક્ટિવા પર મોટી રકમની રોકડ લઈને સરતાનપર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અગાઉથી જ રેકી કરીને ટાંપીને બેઠેલા ત્રણ અજ્ઞાત શખ્સો કાર લઈને તેની પાછળ પડ્યા હતા. લૂંટારુઓએ પીછો કરીને ફારૂકની એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેથી ફારૂક રોડ પર ફંગોળાયો હતો અને તેને શરીરે ઈજાઓ પહોંચી હતી.
8 લાખથી વધુની રોકડ ભરેલી બેગ આંચકી લીધી
ફારૂક નીચે પડતા જ કારમાંથી ત્રણ શખ્સો હથિયારો સાથે નીચે ઉતર્યા હતા. તેમણે ફારૂક સુમરાને ઘેરી લઈ તેના ગળા પર તીક્ષ્ણ છરી ધરી દીધી હતી અને જીવથી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલી અંદાજિત 8 લાખથી વધુની રોકડ ભરેલી બેગ આંચકી લીધી હતી. લૂંટના આ મિશનને અંજામ આપી ત્રણેય તસ્કરો પોતાની કારમાં બેસી ગણતરીની સેકન્ડોમાં હાઇવે પર ફરાર થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત યુવક સિવિલ ખસેડાયો
આસપાસના લોકો તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ફારૂકની મદદે દોડ્યા હતા અને તેને તાબડતોબ સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાઇવે પર આટલી મોટી લૂંટની ઘટનાની જાણ થતાં જ મોરબી જિલ્લા પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ભોગ બનનારની પ્રાથમિક પૂછપરછના આધારે સમગ્ર જિલ્લામાં અને હાઇવે પર ચુસ્ત 'નાકાબંધી' ઓર્ડર કરી દીધી છે. લૂંટારુઓ કઈ કારમાં આવ્યા હતા તેના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો---- Gandhinagar : ભાજપે પદાધિકારીઓની નિમણૂક મુદ્દે આપ્યું મોટું નિવેદન,વાંચો ક્યારે થશે નામો જાહેર