મોરબીના માળીયા-મિયાણા હાઈવે પર અણિયારી ટોલનાકા નજીક ગત તા. 21 એપ્રિલની રાત્રે બનેલી ચકચારી હત્યાની ઘટનામાં પોલીસે સપાટો બોલાવ્યો છે. ગૌસેવક અનિલ હરિભાઈ કંડીયાની હત્યાના કેસમાં માળીયા મિયાણા પોલીસ અને LCBની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુખ્ય સૂત્રધાર શિવમ રબારી સહિત તમામ 6 આરોપીઓને દબોચી લીધા છે.
હુમલાની વિગત
ઘટનાની વિગતો મુજબ, મહેન્દ્રનગરના ગૌસેવક અનિલ કંડીયા અને તેમનો મિત્ર વિવેક પટેલ અણિયારી ટોલનાકા પાસે આવેલી હોટેલ ધૈર્ય પર હાજર હતા. આ સમયે ઈકો કારમાં આવેલા પાંચથી છ શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. આરોપીઓએ અનિલ પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા, જ્યારે વિવેક પટેલને પણ ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અનિલને રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
પૈસાની લેતીદેતી નીકળી હત્યાનું કારણ
મોરબી DySP જે.એમ. આલના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ નાણાકીય વિવાદ સામે આવ્યું છે. મુખ્ય આરોપી શિવમ રબારી "હોથલ ફાઇનાન્સ" ચલાવે છે. મૃતક અનિલ અને શિવમ વચ્ચે પૈસાની લેતીદેતી બાબતે તકરાર ચાલતી હતી. હોટેલ પર નાસ્તો કરી રહેલા અનિલ પાસે આવીને આરોપીઓએ "પૈસા કેમ નથી આપતો?" તેમ કહી ઝઘડો કર્યો હતો અને કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
આરોપીઓની ધરપકડ
પોલીસે ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શિવમ રબારી, રમેશ રબારી, પૃથ્વીરાજસિંહ ઝાલા, ગુલામ હુસેન પઠાણ, કિશન ચૌહાણ અને હીરા ઉલવાનીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો--- Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ