નવા વર્ષના આગમન અને થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી જિલ્લા પોલીસ હરકતમાં આવી છે. જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ મોરબીના વિવિધ માર્ગો પર સઘન વાહન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.


મોરબીના વિવિધ માર્ગો પર સઘન વાહન ચેકિંગ

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) મુકેશકુમાર પટેલ અને DySP પી.એ. ઝાલાની સૂચના અને હાજરીમાં શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. પોલીસ દ્વારા ખાસ કરીને નબીરાઓ અને નિયમ ભંગ કરનારા તત્વોને પકડવા માટે વ્યૂહાત્મક ગોઠવણ કરવામાં આવી છે.

ચેકિંગના મુખ્ય વિસ્તારો અને કાર્યવાહી

પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા શહેરના નીચે મુજબના વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી હતી. નવલખી રોડ બાયપાસ, ઉમિયા સર્કલ, નવું બસ સ્ટેન્ડ વિસ્તાર, શનાળા રોડ આ સ્થળો પરથી પસાર થતી પ્રત્યેક શંકાસ્પદ કાર અને વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ડ્રીંક એન્ડ ડ્રાઈવ પર વિશેષ નજર

થર્ટી ફર્સ્ટની પાર્ટીઓમાં દારૂનો નશો કરીને વાહન ચલાવનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે.પોલીસ દ્વારા અત્યાધુનિક બ્રેથ એનાલાઈઝર મશીન વડે વાહનચાલકોની તપાસ કરવામાં આવી રહી છે. જે કારના કાચ પર પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવેલી હતી, તેવી કારના ચાલકો સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરી ફિલ્મો દૂર કરાવવામાં આવી હતી.

આગામી બે દિવસ સુધી ઝુંબેશ રહેશે જારી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મોરબીમાં આ ચેકિંગ ઝુંબેશ માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત નથી. આગામી બે દિવસ એટલે કે 31મી ડિસેમ્બરની મધરાત સુધી શહેરના તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ અને આંતરિક માર્ગો પર પોલીસનું આકરું ચેકિંગ ચાલુ રહેશે.

આ પણ વાંચો: 31 ડિસેમ્બરે પોલીસનો લોખંડી બંદોબસ્ત, 7000 જવાનો અને AI કેમેરાથી રખાશે નજર, નશો કરનારાઓને જેલભેગા કરાશે

  • Follow us on: