ડાયમંડ સિટી સુરતમાં 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈને સુરત પોલીસ સજ્જ થઈ ગઈ છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, કાયદાનું ઉલ્લંઘન કરનારા કે નશો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
7000 પોલીસ જવાનો અને ડ્રોન-AI થી બાજ નજર
સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે સમગ્ર સુરતને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ, PCB, SOG અને સ્થાનિક પોલીસ સહિત કુલ 7,000 પોલીસ જવાનો તૈનાત રહેશે. શહેરભરમાં 50થી વધુ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કેમેરા અને ડ્રોન દ્વારા ઉજવણીના સ્થળો પર ઝીણવટભરી નજર રાખવામાં આવશે. 45 જેટલા અલગ-અલગ સ્થળો પર પોલીસ પોઈન્ટ્સ અને 12 મુખ્ય એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ પર નાકાબંધી કરવામાં આવી છે.
નશો કરનારાઓ માટે 'સ્પેશિયલ કીટ'
પોલીસ કમિશનરે જણાવ્યું કે નશો કરીને નીકળનારા લોકો હવે બચી શકશે નહીં.બ્રેથ એનાલાઈઝર અને નારકોટીસ કીટ: દારૂ પીનારાઓ માટે બ્રેથ એનાલાઈઝર તેમજ ડ્રગ્સ જેવા નશાની તપાસ માટે 'એન્ટી નારકોટીસ કીટ'નો ઉપયોગ કરવામાં આવશે. જરૂર પડ્યે યુરિન ટેસ્ટ પણ કરવામાં આવશે. પોલીસે અગાઉથી જ પ્રોહિબિશનના 1,100થી વધુ કેસ કર્યા છે અને 55 જેટલા રીઢા ગુનેગારોને પાસા હેઠળ જેલભેગા કર્યા છે.
ઉજવણી માટે પોલીસની ગાઈડલાઈન અને ચેતવણી
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સુરતીઓ ઉત્સાહથી ઉત્સવ ઉજવે, પરંતુ અન્ય લોકોને પરેશાની ન થવી જોઈએ. જો કોઈ તલવારથી કેક કાપશે કે સ્ટંટ કરશે, તો તેમની વિરુદ્ધ તાત્કાલિક ફોજદારી ગુનો નોંધવામાં આવશે. છેડતી કરનાર અસામાજિક તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. જો કોઈ પણ વ્યક્તિ ફરજ પરના પોલીસ જવાન સાથે મિસ-બિહેવ કરશે, તો તેની સામે આકરી કાયદેસરની કાર્યવાહી થશે. શહેરમાં 13 જેટલા મોટા સ્થળો પર સત્તાવાર રીતે 31 ડિસેમ્બરના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળો પર સિવિલ ડ્રેસમાં પણ પોલીસ તૈનાત રહેશે. સુરત પોલીસનો સંદેશ સ્પષ્ટ છે: "ઉજવણી કરો મર્યાદામાં, નહીંતર વર્ષની શરૂઆત થશે જેલમાં.
આ પણ વાંચો: રોટરી ક્લબ દ્વારા કિચન ગાર્ડનિંગ અને કોમ્પોસ્ટિંગ સત્રનું આયોજન, રસોડાના કચરામાંથી ખાતર બનાવવાનું અપાયું માર્ગદર્શન