અમદાવાદમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકનારી એક ગંભીર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. શહેરની જાણીતી મહર્ષિ ગુરુકુલ સ્કૂલની બસમાં પાછળનો આખો કાચ ગાયબ હોવા છતાં, બસ ચાલકે તેમાં અસંખ્ય વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કાચ વગરની બસમાં વિદ્યાર્થીઓ બેઠા છે અને જો ડ્રાઇવર અચાનક બ્રેક મારે તો બાળકો પાછળથી નીચે પડી શકે તેવી ભયજનક સ્થિતિ હતી.

બેદરકારીની હદ

મહત્વનું છે કે, તીવ્ર ઠંડી હોવા છતાં કાચ વગરની બસમાં બાળકોને લઈ જવામાં આવતા સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. સ્કૂલ બસ ચાલકની આ જોખમી બેદરકારી સામે આવતા વાલીઓ અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્કૂલ સંચાલકોએ પણ આવા જોખમી વાહનને વિદ્યાર્થીઓને લાવવા-લઈ જવાની મંજૂરી આપવા બદલ સવાલો ઉઠી રહ્યા છે. સત્તાવાળાઓ દ્વારા આ મામલે કડક પગલાં લેવામાં આવે તેવી માગણી ઉઠી છે.