રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં મોરબીનો એક નિર્દોષ યુવાન ફસાઈ જતાં તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મોરબીનો વતની સાહિલ માજોઠી હાલ યુક્રેનમાં યુદ્ધ કેદી તરીકે હોવાના સમાચાર મળતા તેની માતાએ સરકાર પાસે પુત્રને હેમખેમ પરત લાવવા આજીજી કરી છે.

યુક્રેન સેના સામે શરણાગતિ સ્વીકારી 

પ્રાપ્ત વિગતો મુજબ, સાહિલ માજોઠી ગત ઓક્ટોબર મહિનામાં રશિયા તરફથી યુદ્ધ લડવા માટે ગયો હતો. જોકે, ત્યાંની પરિસ્થિતિ જોતા સાહિલે યુક્રેન સેના સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી. ત્યારથી તે યુક્રેનની કસ્ટડીમાં છે. તાજેતરમાં 5 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવામાં આવી હતી, પરંતુ દુર્ભાગ્યવશ તેમાં સાહિલનું નામ નહોતું.

માતાએ ભાવુક વીડિયો જાહેર કર્યો

સાહિલની માતા હસીનાબેને એક ભાવુક વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે, "યુક્રેન સરકાર સાહિલને ભારતને સોંપવા તૈયાર છે, પરંતુ ભારત સરકારની નીતિ ઢીલી હોવાને કારણે મારો દીકરો હજુ ત્યાં જ ફસાયેલો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે સાહિલ નિર્દોષ છે અને તેને જલ્દી ભારત લાવવામાં આવે તે જરૂરી છે.

ઉચ્ચ કક્ષાએ રજૂઆત

પરિવાર દ્વારા સાહિલને છોડાવવા માટે અત્યાર સુધીમાં મુખ્યમંત્રીથી લઈને રાષ્ટ્રપતિ સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. સાહિલનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે પોતાને છોડાવવા માટે અપીલ કરી રહ્યો છે.

આ પણ વાંચો:Banaskantha: અમીરગઢ પાસે વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડાઈ, સ્ટેટ મોનિટરિંગ સેલે 81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો