શહેરના મણીમંદિર પાસે અનઅધિકૃત ધાર્મિક દબાણો હટાવવાના મુદ્દે સર્જાયેલા તણાવ અને અફરાતફરી બાદ મોરબીના પોલીસ અધિક્ષક (SP) દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. SPએ આ કાર્યવાહી પાછળના કારણો અને પોલીસ બંદોબસ્ત અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

 કોર્ટના આદેશ બાદ કાયદેસરની કાર્યવાહી

SPના નિવેદન મુજબ, આ ડિમોલિશનની કાર્યવાહી સ્વયંભૂ નથી, પરંતુ કોર્ટના આદેશ અનુસાર કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી કે, કોર્ટે અનધિકૃત રીતે કરવામાં આવેલા ધાર્મિક દબાણોને તોડી પાડવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. જે વ્યક્તિઓએ આ સ્થળ પર કબજો કર્યો હતો, તેમની સામે અગાઉ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.વધુમાં, હાઇકોર્ટમાં પણ કબજો કરનાર પક્ષકારો દ્વારા તેમના દબાણના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ ન કરી શકતા, અંતે આજે સરકારી જમીન પરત મેળવવાના હેતુથી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. SPએ ભારપૂર્વક જણાવ્યું કે, આ કાર્યવાહીનો મુખ્ય હેતુ દબાણ કરેલી સરકારી જમીનને પરત મેળવવાનો છે.

 ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્થિતિ કાબૂમાં

ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં નાના-મોટા વિરોધના બનાવો અને તોડફોડની ઘટનાઓ બની હતી, પરંતુ SPએ જણાવ્યું હતું કે, સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે.કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્તમાં 700 જેટલા પોલીસ જવાનો અને 8 ડીવાયએસપી (DYSP) સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. આ વિશાળ પોલીસ બંદોબસ્તને કારણે પરિસ્થિતિ વધુ વણસે નહીં તેની તકેદારી રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: ડિમોલિશન બાદ તંગદિલીનો માહોલ, પોલીસ વાનમાં તોડફોડ અને A ડિવિઝન પોલીસ મથક પર પથ્થરમારો