મોરબી શહેરમાં ધાર્મિક દબાણોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ડિમોલિશનની કાર્યવાહી બાદ વિરોધ કરી રહેલા ટોળા દ્વારા પોલીસને નિશાન બનાવવામાં આવી હતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગ્રીન ચોકમાં પોલીસ વાનમાં તોડફોડ
શહેરમાં ગ્રીન ચોક વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ મથકની હદમાં, કેટલાક અજાણ્યા તત્વો દ્વારા પોલીસની વાન પર હુમલો કરવામાં આવ્યો હતો. તોફાનીઓએ પોલીસ વાનના કાચમાં તોડફોડ કરી હતી, જેના કારણે વાનને નુકસાન પહોંચ્યું હતું. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ પોલીસકર્મીને ઈજા પહોંચી ન હતી.
A ડિવિઝન પોલીસ મથક પર પથ્થરમારો
આ ઉપરાંત, A ડિવિઝન પોલીસ મથક પર પણ ટોળાએ એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડિમોલિશનની કાર્યવાહીથી નારાજ ટોળું નગર દરવાજા પાસે એકઠું થયું હતું અને ત્યારબાદ પોલીસ મથક પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પથ્થરમારામાં ટોળાએ પોલીસ મથકનું બોર્ડ પણ તોડી નાખ્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરીને તોફાનીઓને ભગાડ્યા હતા.
અનિચ્છનીય બનાવ ટાળવા પોલીસ એક્શનમાં
તંગદિલીભર્યા આ માહોલમાં વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, અને પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ રોડ પર ઉતરી આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે, શહેરના કેટલાક સંવેદનશીલ રોડ પર બેરીકેટિંગ લગાવીને લોકોની અવરજવર બંધ કરાવવામાં આવી છે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. પોલીસ દ્વારા તોફાની તત્વોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મ 'લાલો'ના પ્રમોશનમાં અફરાતફરી, ક્રિસ્ટલ મોલમાં ભીડ બેકાબૂ