ગુજરાતી ફિલ્મ 'લાલો'ના કલાકારો જ્યારે ફિલ્મના પ્રમોશન માટે રાજકોટના ક્રિસ્ટલ મોલ પહોંચ્યા, ત્યારે ખુશીનો માહોલ ગણતરીની મિનિટોમાં જ અફરાતફરીમાં પલટાઈ ગયો હતો. કલાકારોને જોવા માટે મોલમાં લોકોનું એટલું જંગી ટોળું ઉમટ્યું હતું કે આયોજકો દ્વારા કરાયેલી સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હતી અને ભીડ બેકાબૂ બની ગઈ હતી.
ગુજરાતી ફિલ્મ લાલોના કલાકારો રાજકોટમાં
મોલમાં ઓવર ક્રાઉડ (અતિશય ભીડ) થવાને કારણે ભયજનક પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં ખાસ કરીને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભીડના ધક્કામુક્કીમાં અનેક બાળકો નીચે પટકાયા હતા અને દબાઈ જવાની શક્યતા સર્જાઈ હતી. આ ભીડને કારણે મોલની ઇલેક્ટ્રિક સીડી (એસ્કેલેટર)ના પગથિયાં પર એક બાળકી પટકાઈ હતી.
ફિલ્મના પ્રમોશન દરમિયાન ભીડ બની બેકાબુ
ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને કોઈનું પણ હૃદય કંપી ઉઠે. બાળકી એસ્કેલેટર પર પટકાતાં તેના જીવ પર જોખમ તોળાઈ રહ્યું હતું. જોકે, આ જ સમયે ભીડમાંથી બે વ્યક્તિઓ દેવદૂત બનીને આવ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બાળકી તરફ ધસી જઈને તેને ગંભીર ઈજા થતાં બચાવી લીધી હતી. આ બે વ્યક્તિઓની હિંમત અને ઝડપી કાર્યવાહીને કારણે બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો.
એસ્કેલેટરના પગથિયા પર બાળકી પટકાઇ
આયોજકો વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ રહેતાં સમગ્ર મોલમાં ગભરામણનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિ વધુ વણસે અને કોઈ મોટી દુર્ઘટના ન બને તે ધ્યાનમાં રાખીને, ફિલ્મ 'લાલો'ના કલાકારોએ ભારે હૈયે પ્રમોશન અધૂરું મૂકીને ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. આ ઘટનાએ જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થા અને ભીડ નિયંત્રણના મહત્વ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: GUJCOST દ્વારા એક જ દિવસે 217 પ્રોવિઝનલ પેટન્ટ્સ ફાઇલ, ઇનોવેશન ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ