માળિયા તાલુકાના સરવડ ગામ નજીક ગત સાંજે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. ભાવપરથી મોરબી તરફ જતી એસટી બસને એક બેફામ ગતિએ આવતા ટેન્કરે પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
બસ વીજપોલ સાથે ટકરાઈ
મળતી માહિતી મુજબ, ભાવપર-મોરબી રૂટની એસટી બસ જ્યારે સરવડ ગામના નાલા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે પાછળથી આવતા એક ટેન્કરે બસના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ રોડ સાઈડમાં આવેલા વીજપોલ સાથે ટકરાઈને સીધી સાઈડની ગટરમાં ઉતરી ગઈ હતી.










