મોરબીના નવલખી પોર્ટ પર લાંબા સમયથી ચાલી રહેલી પ્રાથમિક સુવિધાઓની સમસ્યાને લઈ આજે ટ્રક ટ્રાન્સપોર્ટરોએ આક્રમક વલણ અપનાવ્યું છે. પોતાની પડતર માંગણીઓ સંતોષવામાં ન આવતા આશરે 900 જેટલા ટ્રક ટ્રાન્સપોર્ટરોએ પીપળીયા ચાર રસ્તા પાસે હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


પીવાનું પાણી અને કેન્ટીન જેવી પાયાની સુવિધાઓનો અભાવ

ટ્રાન્સપોર્ટરોનો મુખ્ય આક્ષેપ છે કે નવલખી પોર્ટ પર કામ કરતા ડ્રાઈવરો અને સ્ટાફ માટે પીવાના શુદ્ધ પાણીની કોઈ વ્યવસ્થા નથી. આ ઉપરાંત, ત્યાં કેન્ટીન અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓનો પણ ઘોર અભાવ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે ટ્રાન્સપોર્ટરો રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા હતા.

હાઈવે પર ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

ટ્રાન્સપોર્ટરો દ્વારા પીપળીયા ચાર રસ્તા પર ચક્કાજામ કરવામાં આવતા મોરબી-કંડલા અને જામનગર તરફ જતો વાહન વ્યવહાર ખોરવાયો હતો. હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે મુસાફરો અને અન્ય વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

તંત્રને રજૂઆત અને ન્યાયની માંગ

આ મામલે ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતું કે, તેઓએ અગાઉ મોરબી કલેક્ટર અને ગુજરાત મેરી ટાઈમ બોર્ડ (GMB) સહિતની વિવિધ કચેરીઓમાં લેખિત રજૂઆતો કરી છે. તેમ છતાં પોર્ટના વહીવટકર્તાઓ દ્વારા સુવિધાઓ પૂરી પાડવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટરોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પોર્ટ પર માનવીય જરૂરિયાતો મુજબની સુવિધાઓ ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.

આ પણ વાંચો: આજવા રોડ પર જૈન દેરાસર પાસે કમ્પાઉન્ડ વોલ ધરાશાયી, બે વ્યક્તિઓ દટાયા


  • Follow us on: